ગોધરામાં યોજાયું ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા મંત્રી રમેશ કટારાનું આહ્વાન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા સંમેલનમાં સરકારની વિકાસયાત્રા અને જનકલ્યાણકારી યોજનાઓની કરાઈ વિસ્તૃત રજૂઆત

પંચમહાલ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ 12 વર્ષના શાસનકાળની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ના મંત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે *‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’*નું આયોજન કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સંબોધતા કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશ અને રાજ્યમાં વિકાસના નવા અધ્યાય લખાયા છે. તેમણે જણાવ્યું કે પંચમહાલ અને દાહોદ જિલ્લાઓ પ્રત્યે વડાપ્રધાનશ્રીને વિશેષ લાગણી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ વ્યવસ્થા તથા અન્ય માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે ગામડાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર શિક્ષણ અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બની છે. સાથે જ પીએમ કિસાન યોજના, આયુષ્માન ભારત યોજના, 108 ઈમરજન્સી સેવા અને મફત અનાજ વિતરણ યોજના જેવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓએ ગરીબો અને ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને સીધી ગ્રાન્ટ આપવાની વ્યવસ્થાથી ગ્રામ્ય વિકાસને નવી દિશા મળી છે. હાફેશ્વરથી કડાણા સુધીની સિંચાઈ યોજનાઓ દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું છે. મહિલાઓની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની મજબૂતી તેમજ અંબાજી, પાવાગઢ, સોમનાથ અને અયોધ્યામાં ભવ્ય વિકાસ કાર્યો દેશના સાંસ્કૃતિક ગૌરવના પ્રતિક બન્યા છે.

અંતમાં તેમણે સૌને વર્ષ 2047 સુધી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા એકજૂથ થઈ કાર્ય કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે પંચમહાલના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવે પણ વડાપ્રધાનશ્રીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન અમલી બનેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર તથા મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે પણ પોતાના સંબોધનમાં સરકારની વિવિધ સિદ્ધિઓ અને વિકાસ કાર્યોને બિરદાવ્યા હતા.

આ અવસરે જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રકાશિત ‘મિશન વિકસિત ગુજરાત – કલ્યાણકારી યોજનાઓનો ડિજિટલ સમન્વય’ પુસ્તિકાનું વિમોચન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત ગોધરાની મિશન મંગલમ શાખા, સામાજિક વનીકરણ વિભાગ, પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્ર, પીએમસી એસઆરપી ગ્રુપ ગુજરાતી પ્રાથમિક શાળા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આઈસીડીએસ સહિત વિવિધ વિભાગોના યોજનાકીય સ્ટોલ અને કેમ્પનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારી શ્રી નિરલ મોદીએ સ્વાગત પ્રવચન દ્વારા સંમેલનની રૂપરેખા રજૂ કરી મહાનુભાવોને આવકાર્યા હતા, જ્યારે ગોધરાના મામલતારશ્રીએ આભારવિધિ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના અંતર્ગત મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ પુસ્તિકા મહાનુભાવોને અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-