ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ,બુધવાર:: પંચમહાલ જિલ્લાના બાગાયત ખેતી કરતા તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને જણાવવામાં આવે છે કે, ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી ત્રણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે તારીખ ૨૦/૦૫/૨૦૨૬ થી તા. ૧૭/૦૬/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
મુખ્ય યોજનાઓ અને હેતુ:
૧. બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ: ખેતીમાં આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી ફળ પાકોનું વાવેતર વધારવું.
૨. રાઈઝોમેટિક પાકો (આદુ, હળદર) ને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ: પાયાના મસાલા પાકોના ઉત્પાદનને વેગ આપવો.
૩. ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ: પાકની ગુણવત્તા જાળવી રાખી વધુ નફો મેળવવા સહાય પૂરી પાડવી.
અરજી કરવાની પ્રક્રિયા અને નિયમો:
ઓનલાઇન પોર્ટલ: સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના ઈ-ગ્રામ સેન્ટર પર વી.સી.ઈ. (VCE) મારફત અથવા ઈન્ટરનેટના માધ્યમ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આધાર ઓથેન્ટિકેશન: નવી નોંધણી થયેલ તેમજ નવી નોંધણી કરનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન [નિયમ મુજબ] ફરજિયાતપણે કરવાનું રહેશે, ત્યારબાદ જ અરજી થઈ શકશે.
દસ્તાવેજો સબમિટ કરવા: અરજી કર્યા બાદ ખેડૂતોએ ઓનલાઇન અરજીની પ્રિન્ટ આઉટ મેળવી, તેના પર પોતાની સહી/અંગૂઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે રાખવાના રહેશે. યોજનાની મંજૂરી મળ્યા બાદ જ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ તમામ જરૂરી કાગળો સાથે નીચે જણાવેલ કચેરીના સરનામે જમા કરાવવાના રહેશે.
અરજી સબમિટ કરવાનું સરનામું:નાયબ બાગાયત નિયામકની કચેરી,બ્લોક નં. ૮-૧૨, બીજો માળ, રૂમ નં.૦૨૬૭૨-૨૪૦૦૩૯,
બહુમાળી ભવન, ગોધરા, જિ. પંચમહાલ.
ખેડૂતો આ અરજી રૂબરૂ અથવા ટપાલ દ્વારા નિયત સમયમર્યાદામાં મોકલી આપી શકે છે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન નાયબ બાગાયત નિયામક પંચમહાલનો સંપર્ક કરવા જણાવાયું છે.