ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સ્વચ્છતા, વીજ જોડાણ, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ નાગરિકોને સીધો સ્પર્શતા વિવિધ પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ઉપરાંત પડતર અરજીઓનો સમયસર નિકાલ, આરોગ્ય સેવાઓમાં વધારો, સરકારી યોજનાઓ હેઠળ સહાય વિતરણ સહિતની બાબતોમાં સકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવાની તાકીદ કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લાના વિકાસલક્ષી કામો અને જાહેર સમસ્યાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીઓને પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહી ઝડપી નિકાલ લાવવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારી સહિત જિલ્લા સંકલન સમિતિના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.