લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કાર્યરત 108 ઇમરજન્સી સેવા મહીસાગર જિલ્લામાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આજે વહેલી સવારે ખાનપુર તાલુકાના પાંડરવાડા વિસ્તારમાં વડાગામ 108 ની ટીમે સમયસૂચકતા અને કુશળતાથી એક સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આજે સવારે અંદાજે 05:53 કલાકે પાંડરવાડા ગામમાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા શરૂ થતાં પરિવારજનોએ તરત જ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. જાણ થતાં જ વડાગામ 108 ની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી.
સગર્ભા મહિલાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સાગર ઠાકોર અને પાયલટ મયુરભાઈ પટેલે સમય વેડફ્યા વિના સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર ફરજ બજાવતા ફિઝિશિયન ડૉ. મહેશ સરના ઓન-કોલ માર્ગદર્શન તેમજ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આપવામાં આવેલી તાલીમનો ઉપયોગ કરીને ટીમે સફળ અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી.
મહિલાએ સ્વસ્થ નવજાત પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળક બંનેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અને દેખરેખ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બાકોર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના ‘માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના’ સંકલ્પને વડાગામ 108 ની ટીમે ખરા અર્થમાં સાકાર કરી બતાવ્યો છે. સમયસર સેવા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પરિવારજનોએ 108 ટીમ તથા રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
