હાલોલ ખાતે રાજ્ય કક્ષાનો પ્રાકૃતિક કૃષિ વર્કશોપ યોજાયો, 28 કૃષિ વૈજ્ઞાનિકોએ મેળવ્યું માર્ગદર્શન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાનો ‘વર્કશોપ કમ ડેમો સ્ટેશન વિઝિટ’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.

વર્કશોપનો મુખ્ય હેતુ પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક અભિગમને મજબૂત બનાવવાનો અને વૈજ્ઞાનિકો તથા ખેડૂતો વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાનો હતો. કાર્યક્રમમાં ગુજરાતની અગ્રણી કૃષિ યુનિવર્સિટીઓ જેમ કે આણંદ કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી કુલ 28 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા.

મુખ્ય સત્ર દરમિયાન કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાએ પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો અને તેના વૈજ્ઞાનિક આધાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે અને લાંબા ગાળે પર્યાવરણીય તેમજ આર્થિક લાભ પ્રાપ્ત થાય છે.

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત સાવલીના કશ્યપભાઈ રાય અને ભાવનગરના નારસંગભાઈ મોરીએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા, જેનાથી વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે ઉપયોગી સંવાદ સર્જાયો હતો.

કાર્યક્રમના ભાગરૂપે સંશોધન નિયામક ડૉ. ગોપાલ વાડોદરિયાએ તમામ વૈજ્ઞાનિકોને યુનિવર્સિટીના ફાર્મ પર લઈ જઈ પ્રાકૃતિક કૃષિના વિવિધ પ્રયોગો અને મોડેલ પ્લોટ્સની મુલાકાત કરાવી હતી. આ દરમિયાન સ્થાનિક સ્તરે તૈયાર થતા જૈવિક દ્રાવણો અને જમીન ફળદ્રુપતા વધારવાના પ્રાયોગિક ઉપાયોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. રશ્મિકાન્ત એ. ગુર્જર તેમજ ડૉ. રાજેશ પંચાલ, ડૉ. કિરણ રાઠોડ, ડૉ. અલ્પેશ ભીમાણી, ડૉ. હિતેશ્વરી કોરાટ, ડૉ. ધ્વનિ બર્તવાલ અને સંબંધિત સ્ટાફે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

આ વર્કશોપ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને પ્રોત્સાહન આપવાના દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો :-