ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

રાજકોટ: જેતપુરના મતવા શેરી વિસ્તારમાં સાડીની દુકાન ચલાવતા એક વૃદ્ધ વેપારીને દૂષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરનાર ટોળકીનો ભંડાફોડ થયો છે. પોલીસે બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
માહિતી મુજબ, તા. 10ના રોજ એક મહિલા વેપારીની દુકાનેથી બે સાડી ખરીદી ગઈ હતી અને તે દરમિયાન વેપારીનો મોબાઈલ નંબર પણ લઈ ગઈ હતી. બીજા દિવસે મહિલાએ વેપારીને ફોન કરી ‘તમે મારો હાથ પકડ્યો હતો’ કહી દૂષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની માંગણી શરૂ કરી હતી.
આ બાદ તે મહિલા સાથે બીજી એક મહિલા અને એક પુરુષ વેપારીની દુકાને જઈ વારંવાર ધમકી આપી બ્લેકમેઈલ કરતા રહ્યા હતા. આ રીતે આરોપીઓએ વેપારી પાસેથી કટકે-કટકે કુલ રૂ. 20 હજાર પડાવ્યા હતા.
હજુ વધુ પૈસાની માંગણી શરૂ થતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના આધારે જેતપુર પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મમતાસિંહ પ્રદીપસિંહ રાજપુત (મૂળ ઓડિશા, હાલ જેતપુર), રમાબા વિજયસિંહ જાડેજા (જેતપુર) અને મહેબુબ અશરફ મકવાણા (જેતપુર)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન, એક બાઈક અને રૂ. 11 હજાર રોકડા કબજે કર્યા છે. આરોપીઓએ અન્ય કોઈને પણ શિકાર બનાવ્યો છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.
આરોપીઓ વારંવાર દુકાને આવી બૂમાબૂમ કરી ત્રાસ આપતા હતા, જેના કારણે પરેશાન થઈ વેપારીએ અંતે ફરિયાદ નોંધાવી હતી.