ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો અને મતદાન મથકો અંગે મહત્વપૂર્ણ આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા સ્તરે ચૂંટણી યોજાનાર છે.
સમગ્ર પંચમહાલ જિલ્લામાં કુલ 192 મતદારમંડળોનો સમાવેશ થાય છે અને આ માટે 1,417 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જિલ્લામાં કુલ 11,23,768 મતદારો નોંધાયેલા છે, જેમાં પુરુષ મતદારો 5,76,583, સ્ત્રી મતદારો 5,47,172 અને અન્ય (થર્ડ જેન્ડર) 13 મતદારોનો સમાવેશ થાય છે.
પંચાયત સ્તરે જોવામાં આવે તો ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા (હ) અને શહેરા સહિત 7 તાલુકા પંચાયતો હેઠળ કુલ 174 મતદારમંડળો આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 1,265 મતદાન મથકો કાર્યરત રહેશે. ગોધરા તાલુકામાં સૌથી વધુ 2,13,988 મતદારો નોંધાયા છે, જ્યારે જાંબુઘોડામાં સૌથી ઓછા 31,141 મતદારો છે.
શહેરી વિસ્તારોમાં ગોધરા અને શહેરા નગરપાલિકાના આંકડા મુજબ, ગોધરા નગરપાલિકામાં 11 મતદારમંડળ અને 123 મતદાન મથકો સાથે 1,21,951 મતદારો છે, જ્યારે શહેરા નગરપાલિકામાં 7 મતદારમંડળ અને 29 મતદાન મથકો સાથે 25,467 મતદારો નોંધાયા છે. આ રીતે બંને નગરપાલિકાઓમાં કુલ 1,47,418 જેટલા શહેરી મતદારો મતદાન કરશે.
લિંગ ગુણોત્તર મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં 5,00,813 પુરુષો સામે 4,75,528 સ્ત્રી મતદારો છે, જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં 75,770 પુરુષો સામે 71,644 સ્ત્રી મતદારો નોંધાયા છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ નાગરિકોને લોકશાહીના આ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈને અચૂક મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.