ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
પંચમહાલ: જિલ્લામાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ જાહેર હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા જાહેર કરાયેલા આ હુકમ મુજબ, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના હથિયારોને જાહેરમાં લઈ જવા કે પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ હેઠળ લાઈસન્સવાળા હથિયારો ઉપરાંત તલવાર, ભાલા, તીરકામઠા જેવા તીક્ષ્ણ અને મારક હથિયારોનો સમાવેશ થાય છે. આ પગલું જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવા તેમજ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે પૂર્ણ થાય તે માટે લેવામાં આવ્યું છે.
જાહેર હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.