રાજ્યપાલના પ્રેરક સંબોધનથી હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના હેતુસર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા બાયસેગ (BISAG)ના માધ્યમથી “પ્રાકૃતિક કૃષિ” વિષયક રાજ્યવ્યાપી સંબોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વ્યાપક આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોને ઝેરમુક્ત અને આધુનિક ખેતી તરફ પ્રેરિત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ‘આત્મા’ કચેરીના સંકલનથી ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, મિશન મંગલમ અને શિક્ષણ વિભાગના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતો, શાળાઓ અને વિવિધ જાહેર સ્થળોએ લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરાઈ હતી, જેથી દૂરદરાજના ખેડૂતો પણ આ માર્ગદર્શનનો લાભ લઈ શકે.

જિલ્લાભરમાં 300થી વધુ સ્થળોએ કાર્યક્રમનું સફળ પ્રસારણ થયું હતું, જેમાં અંદાજે 7000થી વધુ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત, 550થી વધુ લોકોએ યુટ્યુબ મારફતે ઘરેથી કાર્યક્રમ નિહાળ્યો હતો.

રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનમાં પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આધારસ્તંભો — જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, વાપસા અને આચ્છાદન — તેમજ સહજીવી મિશ્ર પાક પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા અપીલ કરી હતી.

આ આયોજનના સફળ અમલીકરણથી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે નવી જાગૃતિ જોવા મળી છે અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવવાનો સંકલ્પ કર્યો છે.

આ પણ વાંચો :-