ધારાસભ્ય અભેસિંહ તડવી ના હસ્તે નસવાડી તાલુકાની ચાર પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરાયુ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. તાલુકાની ચાર પ્રાથમિક શાળાઓ જેમાં પાયાકોઇ ઈટીયા રતનપુર(કોલંબા)અને પલાસણીની પ્રાથમિક શાળાઓના નવા વર્ગખંડોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવીના હસ્તે યોજાયો હતો. આશરે રૂ. ૩ કરોડના ખર્ચે આ શાળાઓમાં આધુનિક સુવિધાસજ્જ ઓરડાઓનું નિર્માણ થવાનું છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીના આગમન સમયે ફૂલ વરસાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના વિકાસ અને સરકારની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિષે પોતાના પ્રવચનો આપ્યા હતા.
ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવું સરકારની પ્રાથમિકતા છે અને આ નવા વર્ગખંડો વિદ્યાર્થીઓને વધુ સારા માહોલમાં અભ્યાસ કરવાની તક આપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આવનારા સમયમાં પણ તાલુકામાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, એસ.ટી. નિગમના પૂર્વ ચેરમેન, સ્થાનિક સરપંચશ્રી તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતે વિધિવત ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરી શુભેચ્છાઓ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.