ગોધરા : શંકર લોજ મારામારી કેસમાં દોષિતોને 4 વર્ષની સજા યથાવત, પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના સંચાલક સુરેશ દેરાઈ સહિત 9 આરોપીઓ જેલ હવાલે…

ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને જાહેર શાંતિને ધ્યાને લઈ નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખવાનો હુકમ કર્યો…

ગોધરામાં વર્ષ 2014માં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ શંકર લોજ ખાતે થયેલી ગંભીર મારામારીના કેસમાં માનનીય સેશન્સ કોર્ટે નીચલી અદાલત દ્વારા ફટકારવામાં આવેલી ચાર વર્ષની જેલસજાને યથાવત રાખતા સમગ્ર શહેર અને પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તારીખ 28 મે 2014ના રોજ ગોધરાના શંકર લોજ ખાતે ટ્રાવેલ્સ બુકિંગ બાબતનો વિવાદ ઊભો થયો હતો. ગોધરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના નામે વ્યવસાય કરતા સુરેશ દેરાઈ નામના વ્યક્તિ દ્વારા અન્ય ટ્રાવેલ્સ સંચાલકો સાથે વારંવાર તકરાર અને દબદબા વાળી વૃત્તિ અપનાવાતી હતી. આ જ અનુક્રમે શંકર લોજના સંચાલક સતીશભાઈ સાથે પણ ટ્રાવેલ્સ વ્યવહારને લઈ પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના સંચાલક સુરેશ દેરાઈની તકરાર થઈ હતી.

ત્યારબાદ એ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સ ગ્રુપના સંચાલક સુરેશ દેરાઈ સહિત 9 શખ્સોના ટોળાએ શંકર લોજમાં ઘૂસી જઈ લોજના માલિકને ઢોર માર માર્યો હતો. આ હુમલામાં પીડિતને ગંભીર ઇજાઓ પહોંચતાં સમગ્ર મામલો પોલીસ ફરિયાદમાં નોંધાયો અને બાદમાં કેસ કોર્ટમાં પહોંચ્યો હતો.

લાંબા સમય સુધી ચાલેલી ન્યાયિક કાર્યવાહી બાદ તારીખ 23 ઓક્ટોબરે નીચલી જ્યુડિશિયલ કોર્ટે સુરેશ દેરાઈ સહિત તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવી ચાર વર્ષની સજા ફટકારી હતી. આ ચુકાદા સામે આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી અને તે દરમિયાન તેઓ જામીન પર મુક્ત હતા.

પરંતુ ગોધરા સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને જાહેર શાંતિને ધ્યાને લઈ નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખવાનો હુકમ કર્યો હતો. સાથે જ પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના સંચાલક સુરેશ દેરાઈ સહિત તમામ 9 આરોપીઓને તાત્કાલિક જેલના હવાલે કરવાની સૂચના આપવામાં આવી હતી. ચુકાદો જાહેર થતા જ પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાંથી પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સ ગ્રુપના સંચાલક સુરેશ દેરાઈ સહિત તમામ 9 આરોપીઓની ધરપકડ કરી જેલ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કેસમાં સજા પામેલા આરોપીઓમાં ગોધરાના પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના સંચાલક સુરેશ દેરાઈ સહિત જાણીતા નામાંકિત ચહેરાઓ સામેલ હોવાથી સમગ્ર શહેરમાં આ ઘટનાને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સુરેશ દેરાઈ ગોધરા શહેરમાં બે કરતાં વધુ કાર શોરૂમના સંચાલક હોવાના કારણે આ ચુકાદો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

દસ વર્ષ જૂના આ કેસમાં અંતે પીડિત પક્ષને ન્યાય મળતાં ન્યાયપ્રણાલી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઘણા નાગરિકો આ ચુકાદાને કાયદાનો ડર અને ન્યાયની જીત તરીકે જોઈ રહ્યા છે.