જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ, મહીસાગર અને દાહોદના સયુંકત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ક્લસ્ટર કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતી મેળો…

વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા યુવાનોનું વિશેષ યોગદાન રહેશે: રાજ્યસભા સાંસદશ્રી…

શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ, મહીસાગર અને દાહોદના સયુંકત ઉપક્રમે ક્લસ્ટર કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતી મેળો પંચમહાલના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજાયો હતો.
રાજ્યસભા સાંસદ શ્રી જશવંતસિંહ પરમારે રોજગાર ભરતી મેળામાં પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત @૨૦૪૭ ની પરિકલ્પના સાકાર કરવા દેશના ભવિષ્ય એવા યુવાનોએ દેશના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યું હતું.
વધુમાં સાંસદશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની ઇકોનોમી હાલમાં ચોથા ક્રમે છે,જે ટૂંક સમયમાં ત્રીજા ક્રમે પહોચશે.જેમાં કૃષિ પછી એમ.એસ.એમ.ઈ સેક્ટર દ્વારા દેશના આર્થિક રીતે સદ્ધર કરવામાં ૩૦ ટકા જેટલો જી.ડી.પીમાં માતબર ફાળો આપવામાં આવ્યો છે,તથા જે પ્રકારે રોજગારી ઉપલબ્ધતા કરવામાં મદદરૂપ થઈ રહ્યો છે,તે સરાહનીય બાબત રાજ્ય સાંસદશ્રીએ ગણાવી હતી.
રોજગારવાંચ્છુ ઉમેદવારો વિવિધ સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ રોજગારલક્ષી યોજનાનો લાભ લઈને “આત્મનિર્ભર ભારત”વિઝનને સાકાર કરવા રાજ્ય સાંસદશ્રી અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા દ્વારા પણ પ્રાસંગિક ઉદબોધનમાં કરીને રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી એન.કે.પાલાસર એ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને ભરતી મેળા માટે ભાગ લઈ રહેલ નોકરીદાતાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ વેકેન્સી માટે રોજગાર ભરતી થકી ઉમેદવારોને રોજગાર મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.


ભરતી મેળામાં આરસેટી સ્વરોજગાર લક્ષી કોર્ષ, કુટિર ઉદ્યોગ અને સ્વરોજગારી માનવ ગરિમા યોજના માટે નાણાંકીય સહાય, વાજપાઇ બેંકેબલ યોજના,વ્હાલી દીકરી યોજના,મહિલા સ્વાવલંબન યોજના જેવી યોજનાકીય માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વિવિધ નોકરીદાતાઓ દ્વારા ઊભા કરાયેલ સ્ટોલની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોજગાર ભરતી મેળામાં ૩૯ જેટલા નોકરીદાતાઓ દ્વારા ૨૫૮૮ જેટલી વેકેન્સી માટે ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં પંચમહાલ, હાલોલ, ગોધરા, સાણંદ અને વડોદરા જેવી વિવિધ જગ્યાઓ માટે કુલ ૩૯ જેટલા નોકરીદાતાઓ દ્વારા અંદાજે ૨૫૮૮ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં જે.એસ.ડબલ્યુ. એમ.જી મોટર, ટાટા સ્ટીલ, સુયોગ ઈલેકટ્રીકલ, અને એલ.એન્ડ.ટી જેવી નામાંકિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૭ પાસથી લઈને સ્નાતક, આઈ.ટી.આઈ, ડીપ્લોમા અને બી.ઈ. સુધીની રાખવામાં આવી છે, જ્યારે વય મર્યાદા મુખ્યત્વે ૧૮ થી ૪૫ વર્ષની વચ્ચે છે. આ ભરતી મેળામાં પુરુષો અને મહિલાઓ બંને માટે તાલીમાર્થી (Trainee), હેલ્પર, મશીન ઓપરેટર, ટેકનિશિયન અને સેલ્સ એક્ઝિક્યુટિવ જેવી વિવિધ કેટેગરીમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ભરતીમેળામાં વિવિધ કંપનીની નોકરીદાતાઓ અગ્રણીઓ તથા જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ અને મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં.