પાદરાના ઠગો દાહોદની ચાર જેટલી મિલ માલિકોને છેતરી જતા દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ…

દાહોદ, જીગ્નેશ પંચાલ :-

વડોદરાના પાદરા ખાતેની મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની પેઢીનું નામ વટાવી દાહોદ જીઆઇડીસીમાં આવેલ ચાર જેટલી મિલોમાંથી લોટ, ચણાદાળ બેસન તેમજ તુવેરદાળનો જથ્થો મંગાવી તેના રૂપિયા નહીં ચૂકવી ચારે મીલ માલિકોને કુલ રૂપિયા ૩૫,૯૧,૦૦૦/-નો ચૂનો લગાડી ગયાનું પોલીસ સુત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા પાદરાના દિલીપભાઈ ઘનશ્યામભાઈ શ્રીવાસ્તવ તેમજ જગદીશભાઈ પુરોહિત નામના બે ઠગોએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી તેઓની પાદરા ખાતે GST જીએસટી નંબર 24ASIPC4365J2ZQ ધરાવતી મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં અનાજ,દાળ,કઠોળ,લોટ તેમજ બેસન હોલસેલમાં વેચતાં હોવાનું જણાવી દાહોદ ગોદી રોડ અલીફિયા કોલોનીમાં રહેતા મુફદૃલ ઓનઅલી કથીરિયા નામના વેપારી પાસેથી શરૂઆતમાં તારીખ ૧-૯-૨૦૨૫ ના રોજ એડવાન્સમાં રૂપિયા આપી ચણાદાળ અને બેસન લઈ જઈ તે બંને ઠગોએ વિશ્વાસ સંપાદન કર્યો હતો. અને ત્યારબાદ મફદૃલ ઓનઅલી કથીરિયા પાસેથી રૂપિયા ૭,૯૬,૫૬૦/-ની કિંમતનો ચણાદાળ અને બેસનનો જથ્થો ઉધારમાં લઈ ગયા હતા. અને મુદત પ્રમાણે તેના પૈસા ન ચૂકવી તેઓએ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના એકાઉન્ટ નંબર-02420101424 ક્લોઝ એકાઉન્ટનો 000032 નંબરનો ચેક આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ જ રીતે દાહોદ ખાતેની ત્રણ મિલોમાંથી મુરલીધર એન્ટરપ્રાઇઝ પેઢીના નામે શરૂઆતમાં નાના ઓર્ડર આપી અનાજ લઈ જઈ તેના નાણાની ચુકવણી કરી તે મિલોના માલિકોનો વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ તે બંને ઠગોએ દાહોદના મુદ્દિત વિરેન્દ્ર મહેતાની ખરેડી જીઆઇડીસી ખાતેની રોહિની પલ્સીસ એન્ડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડમાંથી રૂપિયા ૭,૮૨,૦૪૦/-ની કુલ કિંમતનો ઘઉંના લોટનો જથ્થો, અમિત લક્ષ્મણભાઈ ધર્માણીની ખરેડી જીઆઇડીસી ખાતેની લક્ષ્મીનારાયણ પલ્સ મીલ માંથી રૂપિયા ૧૨,૧૪,૪૦૦/-ની કુલ કિંમતની તુવેર દાળનો જથ્થો તેમજ નરપત પ્રસન્નચંદ સુરાણીની દેલસર ખાતેની અરિહંત ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂપિયા ૭,૯૮,૦૦૦/-ની કુલ કિંમતનો તુવેરદાળનો જથ્થો ઉપાડી તેના પૈસાનું ચુકવણું નહીં કરી વિશ્વાસ ઘાત છેતરપિંડી કરી હતી. આમ પાદરાના આ બંને ઠગોએ દાહોદના કુલ ચાર જેટલા મિલ માલિકો પાસેથી તારીખ ૧-૯-૨૦૨૫ થી તારીખ ૩૦-૧૦- ૨૦૨૫ દરમિયાનના સમયગાળામાં કુલ રૂપિયા ૩૫,૯૧,૦૦૦/-ઉપરાંતની કિંમતનો અનાજનો જથ્થો ઉપાડી તેના પૈસાનું ચુકવણું ન કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ સંબંધે દાહોદ ગોદી રોડ અલેફિયા કોલોનીમાં રહેતા મફદ્દલ ઓનઅલી કથીરિયાએ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે પાદરાના દિલીપભાઈ ઘનશ્યામભાઈ શ્રીવાસ્તવ તથા જગદીશભાઈ પુરોહિત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩(૫), ૬૧(૨)(એ),૩૧૬(૨),૩૧૮(૪) મુજબ વિશ્વાસઘાત છેતરપિંડી નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.