રાજકોટમાં હેમુ ગઢવી હોલ પાછળ ગેસ પાઇપલાઇન લીકેજ થતાં ભીષણ આગ, બે વ્યક્તિ દાઝ્યા; JCB મશીન પણ આગની લપેટમાં આવ્યું

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Rajkot: રાજકોટ શહેરમાં હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉં ગલીમાં ગેસ પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. JCB મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં JCB મશીન પણ તેની લપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં બે વ્યક્તિ દાઝી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, હેમુ ગઢવી હોલ પાછળના વિસ્તારમાં JCB દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ સર્જાયું હતું અને અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતાં ખોદકામમાં ઉપયોગમાં લેવાતું JCB મશીન સળગી ગયું હતું. ઘટનાસ્થળની નજીક આવેલા વીજ સબસ્ટેશન સુધી પણ આગની જ્વાળાઓ પહોંચતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક હરકતમાં આવી હતી. શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી ત્રણ ફાયર ફાઇટર વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગને નિયંત્રણમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી.

બીજી તરફ, બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગેસ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ PGVCLની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. વધુ જોખમ ટાળવા માટે ગેસ અને વીજ પુરવઠો બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગેસનો પુરવઠો બંધ થયા બાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ દુર્ઘટનામાં આગની ચપેટમાં આવેલા બે વ્યક્તિ દાઝી ગયા હતા. બંનેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ઇજાની ગંભીરતા અંગે વધુ વિગતો સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉં ગલીમાં સામાન્ય રીતે ખાણીપીણીની રેંકડીઓ અને લોકોની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગ અને સંબંધિત તંત્રની કામગીરી બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી.



આ પણ વાંચો :-