ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ‘સમરસતા સંકલ્પ કળશ યાત્રા’નું મોરવામાં ભવ્ય સમાપન

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા: સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘સમરસતા સંકલ્પ કળશ યાત્રા’નું મંગળવારે મોરવા ખાતે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.

કાશી-વારાણસીથી પધારેલા પવિત્ર કળશની શોભાયાત્રાનું પ્રસ્થાન મોરવા જોધલપીર મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું. ડી.જે.ના તાલે રોહિત સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા રોહિત ફળિયામાંથી પસાર થઈ મોરવા બજારમાં પહોંચી હતી.

મોરવા બજારમાં આવેલા ભાથીજી મહારાજના મંદિર ખાતે કાશીથી લાવવામાં આવેલા પવિત્ર જળનું પ્રથમ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા ફરી જોધલપીર મંદિર પાસે આવેલા સંત રોહીદાસ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તુલસી ક્યારા પાસે કળશનું વિસર્જન કરીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમભાઈ પગી, ન્યાય સમિતિ ચેરમેન હસમુખભાઈ વણકર, અનિયાદ જિલ્લા પંચાયત સભ્ય કનુભાઈ તરસંગ, તાલુકા પંચાયત સદસ્ય અરવિંદભાઈ સોલંકી સહિતના પદાધિકારીઓ, આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાત્રા દરમિયાન મોરવા બજારમાં પટેલ સમાજ અને બારીયા સમાજના આગેવાનો દ્વારા પણ પવિત્ર કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમાજમાં એકતા, સમરસતા અને સૌહાર્દનો સંદેશ આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ યાત્રા દરમિયાન સમગ્ર માહોલ ‘સંત રોહીદાસ મહારાજ કી જય’ના નારા અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો હતો.



આ પણ વાંચો :-