ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસરત; આધુનિક લેબ, સંશોધન ફાર્મ અને ખેડૂતો માટે વ્યાપક તાલીમની સુવિધાપંચમહાલ: “कृषि: एव प्राणोऽस्ति॥” એટલે કે “માત્ર ખેતી જ જીવનનો પ્રાણ છે અને કૃષિ થકી જ રાષ્ટ્રનો વિકાસ શક્ય છે” – આ સૂત્રને સાકાર કરતી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલ આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશ અને વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં 23 હેક્ટર વિસ્તારમાં વિકસિત આ યુનિવર્સિટી પ્રાકૃતિક ખેતી માટેનું અનોખું શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર તરીકે ઓળખ મેળવી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2017માં સ્થાપિત થયેલી GNFSU વિશ્વની પ્રથમ એવી યુનિવર્સિટી છે, જે સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીને સમર્પિત છે. ગુજરાત ઓર્ગેનિક ફાર્મિંગ પોલિસી–2015ના સ્વપ્નને સાકાર કરતી આ સંસ્થા આજે ગુજરાતના આઠ કૃષિ-આબોહવા ઝોનના ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને સંશોધનનું કેન્દ્ર બની છે.
યુનિવર્સિટીનો મુખ્ય હેતુ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખાતમુહૂર્ત બાદ માત્ર ત્રણ વર્ષમાં જ GNFSUએ શિક્ષણ, સંશોધન અને કૃષિ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે.
આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત કૃષિ શિક્ષણGNFSUમાં યુનિવર્સિટી ભવન, ખેડૂત ગૃહ, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, આધુનિક ક્લાસરૂમ, કેન્ટીન, સેમિનાર હોલ, સંશોધન લેબોરેટરી અને મોડલ રિસર્ચ ફાર્મ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં અહીં 150થી વધુ વિદ્યાર્થીઓ B.Sc. (Agriculture) Natural Farming અને M.Sc. Natural Farmingના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 60થી વધુ કૃષિ વૈજ્ઞાનિકો વિવિધ સંશોધન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન નહીં પરંતુ પ્રાયોગિક અભ્યાસ પર વિશેષ ભાર આપવામાં આવે છે, જેથી તેઓ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને વાસ્તવિક ખેતર સ્તરે સમજી શકે.પ્રાકૃતિક ખેતી માટે સંશોધનનું અદ્યતન કેન્દ્રયુનિવર્સિટી કેમ્પસમાં 8 હેક્ટર વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ અને 15 હેક્ટરમાં આધુનિક સંશોધન ફાર્મ વિકસાવવામાં આવ્યા છે. અહીં પંચસ્તરીય ખેતી, લક્ષ્યાધિપતી મોડલ સહિતના નવીન કૃષિ મોડલ્સ પર સંશોધન થઈ રહ્યું છે.સાથે જ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, દશપર્ણી અર્ક જેવા બાયો-ઇનપુટ્સના ઉત્પાદન અને જમીન પરીક્ષણ માટે આધુનિક લેબોરેટરી કાર્યરત છે. કૃષિ વૈજ્ઞાનિકો જમીનની તંદુરસ્તી, પાક વિકાસ, જૈવિક જીવાત નિયંત્રણ અને પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓ અંગે સતત સંશોધન કરી ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે.
દર વર્ષે હજારો ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતીનો સંદેશGNFSU માત્ર વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત નથી. યુનિવર્સિટી ગુજરાતના 18 હજાર ગામોમાંથી 12 હજાર કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીના સ્થાનિક માર્ગદર્શક તરીકે તૈયાર કરવા માટે વિશેષ તાલીમ પ્રોજેક્ટ ચલાવી રહી છે. ઉપરાંત, 34થી વધુ સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને દર વર્ષે 36 હજારથી વધુ ખેડૂતોને તાલીમ, વર્કશોપ અને સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃત કરવામાં આવે છે.
કુલપતિનો સંદેશયુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર (ડૉ.) સી.કે. ટિમ્બડિયાના જણાવ્યા અનુસાર, GNFSUનો ઉદ્દેશ્ય માત્ર ખેતી શીખવવાનો નથી, પરંતુ પ્રાકૃતિક કૃષિ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ, જમીનની ફળદ્રુપતા, માનવ અને પશુ સ્વાસ્થ્ય તેમજ દેશના કૃષિ આધારિત વિકાસને નવી દિશા આપવાનો છે.
તેમણે જણાવ્યું કે, આજના સમયમાં પર્યાવરણ, જમીન અને કૃષિ સામે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને GNFSU શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે સતત નવી પહેલ કરી રહી છે. કુદરતી સંસાધનોનું સંરક્ષણ, જૈવ વૈવિધ્ય, દેશી બિયારણોનું પ્રોત્સાહન, જળ વ્યવસ્થાપન અને ખેડૂતોને બજાર સાથે જોડવા જેવા ક્ષેત્રોમાં યુનિવર્સિટી પરિવર્તનકારી કામગીરી કરી રહી છે.
પ્રાકૃતિક ખેતીને વૈજ્ઞાનિક આધાર સાથે આગળ ધપાવતી GNFSU આજે માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વ માટે એક પ્રેરણાદાયી મોડલ તરીકે ઉભરી રહી છે.