લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉનાળુ વેકેશનના કારણે રક્તદાન કેમ્પોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે રાજ્યભરની વિવિધ બ્લડ બેંકોમાં રક્તની ગંભીર અછત સર્જાઈ છે અને અકસ્માતગ્રસ્ત, ઓપરેશન હેઠળના તેમજ થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે લોહી મેળવવું મુશ્કેલ બન્યું છે.
આવી પરિસ્થિતિ વચ્ચે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં માનવતાની અનોખી મિસાલ જોવા મળી હતી.લુણાવાડાના સેવાભાવી તબીબ ડૉ. આર.બી. પટેલના માર્ગદર્શન અને પ્રયાસોથી વિકાસ સંસ્થા બાવન પાટીદાર સમાજ તથા મહીસાગર રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભીષણ ગરમી હોવા છતાં લુણાવાડા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રક્તદાન શિબિરમાં 250થી વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એકત્રિત થયેલું રક્ત વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. રક્તદાતાઓના આ સેવાભાવી યોગદાનથી અનેક દર્દીઓને નવી આશા અને જીવનદાન મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા માટે અધિક નિવાસી કલેક્ટર સી.વી. લટા, ડીવાયએસપી જે.જી. ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ, વિકાસ સંસ્થાના હોદ્દેદારો તેમજ મહીસાગર રેડક્રોસ સોસાયટીની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. મહાનુભાવોએ રક્તદાતાઓનો ઉત્સાહ વધારી તેમના સેવાકાર્યને બિરદાવ્યું હતું.આ પ્રસંગે ડૉ. આર.બી. પટેલે જણાવ્યું હતું કે, “હાલ ગરમી અને વેકેશનના કારણે બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત છે અને દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિકાસ સંસ્થા અને બાવન પાટીદાર સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે લોકોએ જે રીતે ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે અને 250થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું છે, તે ખરેખર ગૌરવની બાબત છે.”કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે, ત્યારે લુણાવાડાના રક્તદાતાઓએ માનવસેવાનો સંદેશ આપતાં સાબિત કરી દીધું કે “રક્તદાન એ મહાદાન” માત્ર સૂત્ર નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે. આ સમગ્ર આયોજન અન્ય સામાજિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.