ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

આગામી સપ્ટેમ્બર-૨૦૨૬ દરમિયાન ઉજવાનારા ગણેશ મહોત્સવ-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પર્યાવરણ અને જળપ્રદૂષણ અટકાવી શકાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ, ગણેશજીની મૂર્તિઓની સ્થાપના અને વિસર્જન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે મૂર્તિની ઊંચાઈ, બનાવટ અને શણગાર અંગે ખાસ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. મુખ્ય માર્ગો પર આવેલા CCTV કેમેરા, વીજ લાઈનો અને અન્ય અવરોધોને ધ્યાનમાં રાખીને બેઠક સહિત ગણેશજીની મૂર્તિની મહત્તમ ઊંચાઈ 9 ફૂટ નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા કરતાં વધુ ઊંચી મૂર્તિઓની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
પર્યાવરણની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં પ્લાસ્ટર ઓફ પેરીસ (POP), પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મૂર્તિઓ માત્ર પરંપરાગત ચીકણી માટી જેવી કુદરતી અને સરળતાથી પાણીમાં ઓગળી જાય તેવી સામગ્રીમાંથી જ બનાવવાની રહેશે. ઉપરાંત ઝેરી કેમિકલયુક્ત રંગો અને રસાયણોના ઉપયોગ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. મૂર્તિના શણગાર માટે ફૂલોના કુદરતી રંગો, કુદરતી ગુંદર અને અન્ય પાણીમાં દ્રાવ્ય સામગ્રીનો ઉપયોગ કરવો રહેશે.
મૂર્તિના શણગાર અને વસ્ત્રોને લઈને પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વિસર્જન પહેલાં મૂર્તિ પર ચડાવવામાં આવેલા વસ્ત્રો અને અન્ય શણગારની સામગ્રી દૂર કર્યા બાદ જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. સાથે જ અન્ય ધર્મોની લાગણી દુભાય તેવા કોઈપણ ચિહ્નો, પ્રતીકો અથવા નિશાનીઓ ધરાવતી મૂર્તિઓના નિર્માણ, વેચાણ કે ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લા તંત્ર દ્વારા મૂર્તિકારો અને વેપારીઓને વેચાણ સ્થળે સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે. વેચાણ બાદ વધેલી અથવા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડી દેવા સામે પણ કડક ચેતવણી આપવામાં આવી છે. આ નિયમો જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચાણ કરતા વેપારીઓને પણ સમાન રીતે લાગુ પડશે.
આ જાહેરનામું તા. 28 જુલાઈ, 2026 સુધી પંચમહાલ જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં અમલમાં રહેશે. જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા તંત્રે તમામ આયોજકો, મૂર્તિકારો અને નાગરિકોને પર્યાવરણમૈત્રી, સ્વચ્છ અને શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવ ઉજવવા અપીલ કરી છે.