હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત અધિકારીઓ માટે બે દિવસીય તાલીમ શિબિર સફળતાપૂર્વક સંપન્ન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના અધિકારીઓ માટે બે દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બાગાયત નિયામક શ્રી હરીસિંહ ચાવડા અને કુલપતિ પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના આશરે ૧૨૦ જેટલા બાગાયત અધિકારીઓએ ભાગ લીધો હતો.

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ગોધરા દ્વારા આયોજિત આ તાલીમ શિબિર ‘નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ્સ – ઓઈલપામ (NMEO-OP)’ અંતર્ગત યોજાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, આધુનિક ખેતી પદ્ધતિઓ અને નિકાસ ક્ષમતામાં વધારો કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

તાલીમના પ્રથમ દિવસે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય માટે પ્રકૃતિ સાથેનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન APEDAના પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગજગતના નિષ્ણાતોએ બાગાયતી પાકોના આંતરરાષ્ટ્રીય બજાર અને નિકાસની તકો અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યાં હતાં.

બીજા દિવસે વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. રશ્મિકાન્ત ગુર્જર અને સંશોધન નિયામક ડૉ. ગોપાલ વાડોદરિયાએ અધિકારીઓને ‘લક્ષાધિપતિ મોડલ’ અને મિશ્ર પાક પદ્ધતિ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાગાયત નિયામક શ્રી હરીસિંહ ચાવડાએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોને વધુ સહાયરૂપ બની બાગાયતી પાકોના એક્સપોર્ટમાં વધારો કરવો આજની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.

ચિંતન શિબિરમાં વડોદરા અને સુરત વિભાગમાં બાગાયતી ખેતીના વ્યાપને વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગરથી સંયુક્ત બાગાયત નિયામક શ્રી જતીનભાઈએ આગામી વર્ષની નવી યોજનાઓ અંગે ઓનલાઈન માહિતી આપી હતી. સાથે જ કાપણી પછીના નુકસાનને અટકાવવા, નર્સરી વ્યવસ્થાપન અને સેન્ટર ઓફ એક્સલન્સને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતીના મોડેલ પ્લોટ્સ અને વિવિધ પ્રયોગોની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. આ તાલીમ શિબિર દ્વારા અધિકારીઓને ખેડૂતોનો ખર્ચ ઘટાડીને નફો વધારવા માટેના વ્યવહારુ અને આધુનિક ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

આ પણ વાંચો :-