લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મહીસાગર એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને મહીસાગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.
દરમિયાન એસ.ઓ.જી.ને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે કડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી ભરતભાઈ રમેશભાઈ વાઘડીયા (રહે. રાજનપુર, તા. કડાણા, જી. મહીસાગર) સંતરામપુરના જુનાતલાવ ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાનો છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નથ્થુભાઈને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપી મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કડાણા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
આરોપી વિરુદ્ધ કડાણા પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપી ભરતભાઈ રમેશભાઈ વાઘડીયા વિરુદ્ધ અગાઉ લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
મહીસાગર એસ.ઓ.જી.ની આ કામગીરીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
