વડોદરા સોમા તળાવ પાસે વુડાના મકાનમાં રહેતા યુવાનને છછુંદરે બચકો ભરતા અફરાતફરી…

વડોદરા, સરફરાઝ શેખ (લાલા) :-

પગની આંગળીમાં ગંભીર ઈજા, સ્થાનિકોમાં ભય અને ચર્ચાનો માહોલ…

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા એક યુવાન પર અચાનક છછુંદર દ્વારા હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવને પગલે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, સોમા તળાવ નજીક વુડાના મકાનમાં રહેતા તારીખ અબ્દુલ કાદર શેખ (મૂળ વતની ગોધરા) વડોદરામાં રહી ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ પોતાના ઘરમાં રોજની જેમ આરામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એક વિફરેલો છછુંદર તેમના પગ પર ચડી આવ્યો અને પગની આંગળીમાં નોકિલા દાંત વડે બચકો ભરી દીધો.

આકસ્મિક હુમલાના કારણે યુવાને જોરથી ચીસો પાડતા આખા મકાનમાં ગભરાટ ફેલાઈ ગયો. યુવાનની ચીસો સાંભળી આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. એટલી જોરદાર કિલકારીઓ બહાર સુધી સંભળાતાં રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પણ થંભી ગયા હતા અને શું થયું તે જાણવા એકત્રિત થયા હતા.

સ્થાનિક લોકો દ્વારા તરત જ યુવાનને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી અને હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

છછુંદરના દાંતથી ઘા લાગતા ઈન્ફેક્શન અને રેબીસ જેવી બીમારીઓની શક્યતા હોવાથી તબીબોએ રસીકરણ તથા સારવાર શરૂ કરી છે.
આ ઘટનાને પગલે સોમા તળાવ વિસ્તારમાં આવેલા વુડાના મકાનોમાં ગંદકી, પાણી ભરાવ અને જીવજંતુઓના ઉપદ્રવ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વિસ્તારમાં લાંબા સમયથી છછુંદર અને ઉંદરનો ત્રાસ છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સફાઈ અને ફ્યુમિગેશન કરવામાં આવતું નથી.

એક રહેવાસીએ જણાવ્યું કે,
“રાત્રિના સમયે બાળકો અને મહિલાઓ ડરીને બહાર નીકળતા પણ સંકોચ અનુભવે છે. આવી ઘટના પછી હવે વધુ ભયનો માહોલ છે.”
આ ઘટનાને પગલે લોકોમાં ચર્ચા છે કે જો સમયસર સારવાર ન મળી હોત તો પરિસ્થિતિ ગંભીર બની શકી હોત. નગરજનો દ્વારા મ્યુનિસિપલ તંત્રને તાત્કાલિક સફાઈ, દવા છંટકાવ અને જીવજંતુ નિયંત્રણ માટે પગલાં લેવા માંગ ઉઠી છે.

આ બનાવે ફરી એકવાર શહેરમાં રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા અંગે તંત્રની જવાબદારી પર સવાલ ઊભા કર્યા છે.