ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ આજે ગોધરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન આગામી રાજકીય રણનીતિ, સ્થાનિક સ્તરના વિવિધ પ્રશ્નો, વર્તમાન રાજકીય પરિસ્થિતિ તથા પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સ્થાનિક સ્તરે પક્ષની પ્રવૃત્તિઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
બેઠકનો મુખ્ય એજન્ડા તાજેતરમાં ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ અને તેમાં સંડોવાયેલા વ્યક્તિઓ બાબતે હતો. આ મુદ્દે પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ સ્થાનિક નેતાઓ સાથે ગંભીર ચર્ચા કરી હતી.
સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓને કાયદાના દાયરામાં રહીને જરૂરી તમામ કાનૂની સહાય પૂરી પાડવા માટે AIMIM પક્ષ દ્વારા ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. પક્ષ તરફથી અનુભવી વકીલોની ટીમ મારફતે યોગ્ય રજૂઆત કરવામાં આવશે જેથી સંડોવાયેલા લોકોને ન્યાય મળી શકે.
આ બેઠકમાં સ્થાનિક AIMIM આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસમસ્યાઓ માટે અવાજ ઉઠાવવા અને કાયદાકીય લડતમાં પક્ષ સાથે એકતાથી આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.
આ મુલાકાતને આવનારા સમયમાં ગોધરા તથા પંચમહાલ જિલ્લામાં AIMIMની સંગઠનાત્મક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.