રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓનું પગાર ચુકવવા માટે અલ્ટીમેટમ

ચાર મહિનાનો બાકી પગાર ત્રણ જ દિવસમાં ચુકવવા પાલિકા પાસે માંગ નહિંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

કોરોનાની મહામારી વચ્ચે જ કર્મચારીઓએ બાકી પગારનો મુદ્દો છંછેડતા પાલિકામાં દોડધામ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

વાદવિવાદ અને રાજપીપળા નગરપાલિકા એક બીજાના જાણે કે પર્યાય બની ગયાં હોય એમ કોઇને કોઇ કારણસર રાજપીપળા નગરપાલિકા વિવાદોમાંજ રહેતી હોય છે, નગરમાં કોરોનાની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે નગરપાલિકાના કરમચારીઓ આ સમયે મહત્વની ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓને છેલ્લા ચાર-ચાર મહિનાઓથી પગાર જ ન ચુકવાતા કરમચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે .

રાજપીપળા નગરપાલિકા કર્મચારી મંડળ તરફથી ચીફ ઓફિસરને પત્ર લખીને લેખિતમાં સહીઓ કરીને નગરપાલિકાના વાહન વ્યવહાર વિભાગ સહિતના અન્ય વિભાગના કર્મચારીઓએ જણાવ્યું છે તે પોતાના પગાર ચાર મહિનાથી ચુકવાયા નથી, કોરોનાની મહામારી વચ્ચે પોતાના જીવ જોખમમાં મૂકી ફરજ બજાવવામાં આવી છે. તમામ સમયગાળાનો બાકી પગાર એકસાથે ચુકવવા, વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને કાયમીના હક્ક આપવા, કર્મચારીઓને લઘુત્તમ વેતન ધારા હેઠળ પગાર ચુકવવા તેમજ આઠ કલાકથી વધુની નોકરી થાયતો ઓવરટાઈમ આપવાની પણ માંગણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.


પોતાની માગણીઓનું દિન ત્રણમાં જ નિકાલ લાવવાનું જણાવવામાં આવ્યું છે અને જો પશ્રોનોનું યોગ્ય નિરાકરણ નહીં આવે, યોગ્ય લેખિતમાં જવાબ નહીં અપાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.

કોરોનાની મહામારી વચ્ચે જ પગારનો મુદ્દો સહિત કર્મચારીઓના બીજી માંગણીઓનો મુદ્દો છેડાતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવાં પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here