ચોમાસાની ઋતુમાં પશુઓને લીલો ઘાસચારો ખવડાવવામાં કાળજી રાખવી ખાસ જરૂરી

પંચમહાલ જિલ્લા નાયબ પશુપાલન નિયામકની અપીલ

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ જિલ્લાના નાયબ પશુપાલક નિયામકે પશુપાલકોને અપીલ કરતા એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ચોમાસાની ઋતુમાં પશુઓને લીલો ઘાસચારો ખવડાવવામાં ખાસ કાળજી રાખવી જરૂરી છે. હાલના વાદળછાયા વાતાવરણમાં નવા લીલા ઘાસચારાને સીધો સૂર્યપ્રકાશ ન મળવાથી ઘાસચારામાં નાઈટ્રેટ તત્વનું ઝેર રહી જતું હોય છે. નિંદામણવાળા ઘાસમાં આ શક્યતા વધુ હોય છે. આ નાઈટ્રેટ ઝેરથી પશુઓને શ્વાસોચ્છવાસમાં તકલીફ પડવી, શરીરમાં ધ્રુજારી આવવી, લથડિયા ખાવા, ઝાડો થવા જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો ધરાવતા પશુઓને તાત્કાલિક પશુ સારવાર સંસ્થાએ લઈ જઈ સારવાર કરાવવી, જેથી પશુ મરણ અટકાવી શકાય. વધુમાં લીલા ઘાસ સાથે સૂકુ ઘાસ મેળવીને પશુઓને આપવું. વધુ પડતો લીલો ઘાસચારો ખવડાવવાથી પશુઓને આફરો થવાની અસર થતી હોય છે અને સમયસર સારવાર ન મળતા પશુઓનું મરણ થતું હોય છે. આ ઉપરાંત, ફુગ ચઢેલ ઘાસ પશુઓને ન ખવડાવવા તથા લીલા ઘાસચારા/નિંદામણ સૂર્યપ્રકાશમાં સૂકવીને ખવડાવવા અપીલ કરવામાં આવી છે.
પશુઓને ચોમાસાની ઋતુમાં ગળસૂંઢાનો જીવલેણ રોગ થતો હોય છે. જે પશુઓને આ ગળસૂંઢા રોગ વિરોધી રસી હજી સુધી ન મૂકાવી હોય તેવા પશુઓને સત્વરે નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે લઈ જઈ મુકાવવા પણ આ સમાચાર યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here