સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ના ચિંતન શિબિરમા મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો વચ્ચે વિવિધ વિષયે જૂથ ચર્ચાસત્ર યોજાયા

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ૧૦મી ચિંતન શિબિર- ૨૦૨૩ ના દ્વિતીય દિવસે શિક્ષણ, આરોગ્ય અને પોષણ તથા સરકાર અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ,શહેરીકરણ અને માળખાગત સુવિધાઓ, ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને ક્ષમતાવર્ધન વિષયક વિવિધ પાંચ સમુહ ચર્ચા સત્રો યોજાયા હતા.આ ચર્ચા સત્રોમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.
આ જૂથ ચર્ચા સત્રમાં જનહિતલક્ષી મુદ્દાઓ, વિવિધ ક્ષેત્રે રહેલી તકો અને પડકારો તથા અન્ય રાજ્યો- રાષ્ટ્રોના સફળ મોડેલ પર ચર્ચા અને વિષય નિષ્ણાતો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ જૂથ ચર્ચાના નિષ્કર્ષ સંદર્ભે આવતી કાલે વિવિધ વિભાગના વડાઓ દ્વારા પ્રેઝન્ટેશન પણ અપાશે.
રાજ્યના વરિષ્ઠ સચિવશ્રીઓ, સનદી અધિકારીઓ દ્વારા શહેરીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષય પર જૂથ ચર્ચા પણ યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર અને સ્માર્ટ સિટી એન્ડ અર્બન મિશનના ડાયરેક્ટરશ્રી રાજકુમાર બેનીવાલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

રાજયના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને ક્ષમતાવર્ધન વિષય પર જૂથ ચર્ચા યોજાઈ હતી.આ ચર્ચા સત્રમાં યુનિસેફ ઇન્ડિયાના સામાજિક નીતિ વિભાગના વડા સુશ્રી હ્યુન હી બાને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સર્વસમાવેશક ગ્રામ વિકાસ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દિવસ દરમ્યાન શિક્ષણ, આરોગ્ય અને પોષણ તથા સરકાર અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ વિષયક સત્રોમાં પણ મુખ્ય મંત્રી સહિત મંત્રીઓ, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

મંત્રીઓએ શિબિરાર્થી બની રસપૂર્વક પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here