સિધ્ધપુર સરસ્વતી પુલ પર સર્જાયેલા અકસ્માતથી ટ્રાફિકજામ થતા અફરા તફરી સર્જાઈ

સિધ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે આવી યોગ્ય કામગીરી કરી ટ્રાફિક સમસ્યા ઉકેલી ટ્રાફિકને પૂર્વવત કરતા વાહનચાલકો એ હાશકારો અનુભવ્યો..

સિધ્ધપુર ના સરસ્વતી નદીના પુલ ઉપર આજ રોજ સવારે અકસ્માત સર્જાતા રસ્તો બ્લોક થઈ જતા ટ્રાફીકની ભારે વિકટ સમસ્યા સર્જાઈ હતી. જોતજોતામાં બન્ને તરફના હાઈવે માર્ગ સહિત બિંદુ સરોવર રોડ કટ પર વાહનો ની લાંબી કતારો લાગી જતા અનેક વાહનો અટવાઈ ગયા હતા.જોકે થોડા સમય બાદ આવેલી પોલીસે પોતાની આગવી સૂઝબૂઝ થકી ટ્રાફિકને દૂર કરી બન્ને તરફના હાઈવે માર્ગને પૂર્વવત કર્યો હતો.

મહેસાણા-પાલનપુર સિક્સલેન હાઈવે પર દોડતા વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે પરંતુ સિધ્ધપુર શહેરમધ્યે પસાર થતા હાઈવે માર્ગ સહિત સરસ્વતી નદી પરનો પુલનો રોડ સિક્સલેનની જગ્યા ફક્ત ફોરલેન જ અસ્તિત્વમાં હોવાથી નાના મોટા અકસ્માત વખતે અનેક વખત ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હોય છે.આજરોજ સવારે આવી જ વિકટ ટ્રાફિક સમસ્યા નદી પુલ પર સર્જાતા થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી.વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવે અને રોડ પરથી ઝડપી નીકળી જવાની લ્હાયમાં બન્ને રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી.જોકે બાદમાં પોલીસે દરમિયાનગીરી કરી હાઈવે સહિત નદીના પુલ પર થયેલા ટ્રાફિકને હળવો કર્યો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યામુજબ આજ રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સિધ્ધપુરના બિંદુ સરોવરથી ખળી ચાર રસ્તા તરફ જવા ના સરસ્વતી પુલના રોડ ઉપર દોડતી એક કારનું ટાયર અચાનક નીકળી જતા તેણે સ્ટ્રીયરિંગ પર કાબુ ગુમાવી દેતા આગળ જતા વાહન સાથે ટકરાઈ હતી તે અરસામાં પાછળ આવતા ટેઇલર ટ્રક કારની પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતથી પુલનો રસ્તો બંધ થઈ જતા વાહનોની લાંબી લાઈનો લાગી જતા વિકટ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. આવા કટોકટીના સમયે પણ ઉતાવળિયા વાહન ચાલકોએ ઝલદી પસાર થવાની લ્હાયમાં રોડની બન્ને તરફ સામસામે દોડવાનું શરૂ કરી દેતા બિંદુ સરોવર રોડ કટ સહિત બન્ને તરફના હાઈવે માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. આથી કેટલાય વાહનો ટ્રાફિકમાં અટવાઈ જવા પામ્યા હતા.બાદમાં થોડા સમય બાદ પોલીસને જાણ થતાં તેણે મોરચો સંભાળી ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.એકતરફ શહેરમધ્યે પસાર થતા હાઈવે પરથી તમામ સ્પીડબ્રેકર્સ હાઈવે ઓથેરિટી દ્વારા દૂર કરી દેવાયા છે ત્યાં બીજીતરફ હાઈવે વિસ્તારમાંથી પસાર થતા વાહનોને મર્યાદિત સ્પીડમાં ચલાવવાનો નિયમ હોવા છતાંય કેટલાય વાહનો પુરઝડપે દોડતા હોય છે ત્યારે આવા વાહન ચાલકો સામે પોલીસતંત્ર સત્વરે લાલ આંખ કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here