સિદ્ધપુરના રેલ્વે અંડરબ્રિજમાં અનેક જગ્યાએ તૂટેલી તેમજ ખાડાઓ પડી ગયેલી ફૂટપાથથી રાહદારીઓ ત્રાહિમામ્

સિધ્ધપુર,(પાટણ ) આશિષ કુમાર :-

સિદ્ધપુર શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારના લોકો સહિત વાહનચાલકોની સુલભતા માટે ૧૮ કરોડના ખર્ચે બનાવાયેલ રેલ્વે અંડરબ્રિજમાં અત્યારે અનેક લોકોને અસુવિધા ઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંડરબ્રિજ શરૂઆતથી જ તેની કહેવાતી ઢંગઢાળા વગરની ડિઝાઇનને લઈ ચર્ચામાં રહેવા પામ્યો છે.ત્યાં હવે આ બ્રિજમાં રાહદારીઓ માટે બનાવાયેલ ફુટપાથ મોટાભાગે તૂટી જવા પામી હોવાથી સમારકામ ઝંખી રહી હોવા છતાંય નઘરોળ તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમજ આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.આથી રાહદારીઓને જીવ ના જોખમે ફૂટપાથની જગ્યા એ દોડતાં વાહનો વચ્ચે રોડ ઉપર જ ચાલવું પડી રહ્યું છે.આ બ્રિજમાં બનાવાયેલ ફૂટપાથમાં લગાવાયેલી ટાઇલ્સો અનેક જગ્યાએ ઉખડી જવા પામી છે. ઉપરાંત આ ફૂટપાથમાં અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે.જે ફૂટપાથ બનાવવામાં આચરાયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું છે.આ ઉપરાંત આ ફૂટપાથ ઉપર જ લાઈટોના થાંભલાઓ ઉભા કરી દેવાયા હોવાથી અનેક સ્થળોએ ફૂટપાથ સાંકડી બની જવા પામી છે.તંત્ર દ્વારા આવા લાઈટ ના થાંભલાઓ ફૂટપાથની જગ્યા રોડ વચ્ચેના ડિવાઈડર ઉપર ઉભા કરી એક જ થાંભલામાં બન્ને બાજુ લાઈટો ગોઠવાઈ હોત તો ફૂટપાથ પણ સાંકડી ના બની હોત અને અત્યારે જેટલા થાંભલાઓ આ બ્રિજમાં ઉભા કરવામાં આવ્યા છે તેના કરતાં અડધી સંખ્યાના જ થાંભલાઓની જરૂર પડી હોત આથી ખર્ચમાં પણ ઘટાડો કરી શકાયો હોત તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.આ ઉપરાંત અંડરબ્રિજ ની નિયમિત સાફસફાઈ કરાતી ના હોવાની પણ રાડ ફરિયાદ ઉઠવા પામી છે.આ અંગે જણાવે છે કે આ બ્રિજના રાહદારીઓ સહિત વાહનચાલકોને પડતી હાડમારીઓ નિવારવા માટે ફૂટપાથનું સત્વરે સમારકામ કરવામાં આવે તેમજ અંડરપાસ બ્રિજની નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે તે જરૂરી છે.આ બ્રિજમાં નિયમિત સફાઈના અભાવે બ્રિજના રોડની બન્ને બાજુ રોડસાઈડમાં એકત્ર થતા રેત-માટીના ઢગલાઓમાં અનેક વાહનો ફસાઈ જતા સ્લીપ ખાઈ જતા હોવાથી નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.ઉપરાંત બ્રિજમાં કચરાના ઢગલા ઓ પણ દિવસો સુધી ખડકાયેલા જોવા મળતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here