રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ને એપ્રિલમાં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લામાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુધી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોના નિવારણ માટે નર્મદા જિલ્લા વહિવટી તંત્ર પ્રતિબધ્ધ

તા. ૧૧ થી ૧૭મી એપ્રિલ દરમિયાન ગ્રામ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નો સ્વીકારવાના કેમ્પનું આયોજન

તા. ૨૪ થી ૨૬મી એપ્રિલ દરમિયાન તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ કાર્યક્રમો યોજાશે

તા. ૨૭મી એપ્રિલે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર ના અઘ્યક્ષસ્થાને યોજાશે

મુખ્યમંત્રી ના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ કરાઈ હતી. એપ્રિલ-૨૦૨૩માં “સ્વાગત” કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવા જઈ રહ્યાં છે, જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવણી કરવામાં આવશે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવશે. જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં સ્વાગત કાર્યક્રમોનું સુચારું આયોજન કરાશે.

“સ્વાગત સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત તા. ૧૧થી ૨૯મી એપ્રિલ સુઘી “અવેરનેશ કાર્યક્રમ” તેમજ ગ્રામ્યકક્ષા સ્વાગત કાર્યક્રમ, તાલુકાકક્ષા સ્વાગત કાર્યક્રમ અને જિલ્લાકક્ષા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં નર્મદા જિલ્લામાં તા. ૧૧થી ૧૭મી એપ્રિલ દરમિયાન ગ્રામ્યકક્ષા સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન કરાશે. આ કાર્યક્રમ દરેક તાલુકામાં જિલ્લા પંચાયતની સીટના મોટા ગામો જેવા કે આંબાવાડી, ગોપાલપુરા, સાવલી, મોટી ભમરી, ભદામ, ઉમરાણ, નિવાલ્દા, વ્યાધર, નવા વાઘપુરા, જાવલી, કોઠી, ઝરીય, ખોપી, ખાબજી, સામોટ, જેતપોર(વઘરાલી), કંજાલ, રાજુવાડીયા, સેલંબા, ચોપડવાવ, નલીયા અને નવાગામ(પાનુડા) જેવા ગામોમાં યોજવામાં આવશે. ગ્રામ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમને સુદ્રઢ બનાવવા માટે વર્ગ- ૨ કક્ષાના નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવશે. ગ્રામકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં મળેલી અરજીઓનો તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરી તેનું ઝડપી નિવારણ કરી જનતાના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે.

તા.૨૪ થી ૨૬મી એપ્રિલ દરમિયાન જિલ્લાભરમાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમો યોજાશે. તાલુકા સ્વાગત કાર્યક્રમો જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષકશ્રી, નિવાસી અધિક કલેકટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ની અધ્યક્ષતામાં યોજાશે. તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં આવતા અરજદારોને રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતા સાહિત્ય-પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવશે. જ્યારે તા. ૨૭મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમાં તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં લેવાયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. તાલુકા કક્ષાએ હલ ન થયેલા પ્રશ્નનો જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં લઇ તેનું યોગ્ય નિરાકરણ કરવાનું આયોજન પણ હાથ ઘરવામાં આવશે. તેની સાથે જિલ્લાકક્ષાના સ્વાગતના પેન્ડિંગ પ્રશ્નોની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં જરૂરી સમીક્ષા કરવામાં આવશે.

તા. ૨૭મી એપ્રિલના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજયકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સપ્તાહ દરમિયાન થયેલા પ્રશ્નો અને તેના નિકાલ અંગેની સમીક્ષા કરવામાં આવશે. આમ, એપ્રિલ માસના ચોથા સપ્તાહમાં થનારી “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here