મુખ્યમંત્રીના સમયકાળ દરમ્યાન લોકાર્પણ કરેલ વિરાસત વનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લેશે મુલાકાત…

ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

વિવિધતાસભર અનેક નૈસર્ગિક આકર્ષણોનું કેન્દ્ર બનેલું જેપુરા – પાવાગઢનું વિરાસત વન

અત્યાર સુધીમાં અંદાજે ૮૬,૫૭૫ લોકો એ વિરાસત વનની મુલાકાત લીધી

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર ખાતે ઉજવવામાં આવતા વન મહોત્સવના કાર્યમાં બદલાવ લાવીને વર્ષ ૨૦૦૪ થી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને ઐતિહાસિક – સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોએ સઘન વૃક્ષારોપણના કાર્ય થકી રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી આવા સ્થાનોને વન સાથે જોડીને રાજયમાં વનોના વિકાસનો યજ્ઞ આરંભ્યો હતો. જેને વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આગળ ધપાવી રહયા છે.
વૃક્ષારોપણના કાર્ય થકી વન સાથે લોકો જોડાય તે માટે રાજયમાં “સાંસ્કૃતિક વન”ના નામાંભિમાન સાથે સ્થાનિક મહત્વ જોડીને સ્થાનિક વનોના નામો આપવાનો અભિગમ અપનાવ્યો. જેના ભાગરૂપે ૨૦૧૧ ના વર્ષમાં તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં જેપુરા – પાવાગઢ ખાતે ૬૨ મા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી થકી “વિરાસત વન” નું નિર્માણ કરવામાં આવ્યું હતુ. તે વેળા શ્રી નરેન્દ્ર મોદીએ આ સ્થળે વૃક્ષારોપણ કરી વિરાસત વનને લોકાર્પિત કર્યું હતુ. આ વનના નિર્માણ બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પાવાગઢ ખાતેના તેમના ટુંકા રોકાણ દરમિયાન પણ જેપુરા-પાવાગઢ ખાતેના વિરાસત વનની ખાસ મુલાકાત લેવા પધારનાર છે, જે ગુજરાત માટે ખુબ જ ગૌરવમય વાત છે.
નોંધનીય છે કે, પાવાગઢ – જેપુરા ખાતે નિર્માણ થયેલા આ વિરાસત વનમાં વનોનું મહત્વ દર્શાવતા સાત પ્રતિક વનો તૈયાર કરવામાં આવેલા છે. જેમાં આનંદ વન, આરોગ્ય વન, આરાધ્ય વન, સંસ્કૃતિક વન, આજીવિકા વન, નિસર્ગ વન અને જૈવિક વનનો સમાવેશ થાય છે.
દરેક પ્રતિક વનનું પોતાનું એક આગવું મહત્વ છે. જેમ કે, આનંદ વનમાં તેના નામ મુજબ મનોરંજનનું મૂલ્ય દર્શાવતા વિવિધ રંગબેરંગી ફૂલો તથા બાળ-ક્રીડાંગણ અને લોન ગાર્ડન આવેલા છે. આરોગ્ય વનની વાત કરીએ તો તેમાં હરડે, આમળા, બહેડા જેવા ઔષધીય વૃક્ષોના આરોગ્યલક્ષી મૂલ્યથી સૌને અવગત કરવાનો પ્રયત્ન કરેલ છે. આરાધ્ય વનમાં લોકોની આસ્થા અને પુજા સાથે જોડાયેલા વિવિધ વૃક્ષો જેવા કે વડ, પીપળ, રુદ્રાક્ષ, બીલી, નાળિયેરી, આસોપાલવ વગેરેનું રોપણ અને ઉછેર કરવામાં આવ્યો છે. સાંસ્કૃતિક વનમાં રાશિ વન, નક્ષત્ર વન તથા પંચવટી વન ઊભા કરેલ છે, અને સાથે સાથે લોકો અને વનસ્પતિ વચ્ચેના સંબંધોને જ્યોતિષ શાસ્ત્ર તથા ખગોળશાસ્ત્ર વિષયો વડે દર્શાવીને લોકો વૃક્ષ સંરક્ષણ માટે પ્રેરિત થાય તેવા પ્રયાસ કરેલ છે.
આજીવિકા વનમાં લોકોની આજીવિકા રળી આપતા વૃક્ષો જેમકે જાંબુ, મહુડા, રાયણ, નિલગિરી, અરડૂસી વગેરેનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યો છે. જયારે નિસર્ગ વનમાં વન અને વાયુ શુધ્ધિકરણ તથા જળ અને જમીનનું સંરક્ષણનું મહત્વ બતાવવાની સાથે વનો એ માનવજીવન માટે કેટલા મૂલ્યવાન છે તેનો ચિતાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જૈવિક વનમાં માનવ સમાજ માટે જૈવિક વિવિધતાનું મહત્વ દર્શાવવામાં આવ્યુ છે.
આ વિરાસત વનને વિશેષ આકર્ષણોથી શણગારવામાં આવ્યું છે, જેમાં તેનું પ્રવેશ દ્વાર, કલાત્મક પુલો, વન કેડીઓ, સુશોભિત તળાવો, ફુવારાઓ, ભૂમિ ભેજ સંરક્ષણ વ્યવસ્થાનું નિદર્શન, સુંદર ફૂલોની ક્યારીઓ, બાળ ક્રીડાંગણ, ઘાસનું મેદાન, વન્ય પ્રાણીઓના મોડલ વગેરે વિરાસત વનને મનમોહક બનાવે છે. મુલાકાતીઓના વિશ્રામ માટે વનકુટીર ઉપરાંત અલ્પાહાર માટે કેફેટેરીયાનું બાંધકામ કરવામાં આવેલ છે જે વિરાસત વનને એક માણવાલાયક સ્થળ તરીકે સંપૂર્ણ બનાવે છે. અત્યાર સુધીમાં અંદાજે ૮૬,૫૭૫ લોકો એ વિરાસત વનની મુલાકાત લઈ ધરતી ઉપરના ઈશ્વરના આ નૈસર્ગિક સ્વર્ગને માણ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here