નર્મદા જિલ્લાની હેતિકા પટેલે ધોરણ -૧૦ માં ૯૯.૯૧ ટકા પર્સનટાઇલ A-૧ ગ્રેડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અંગ્રેજી માધ્યમની વાત્સલ્ય વિદ્યાલય મા અભ્યાસ કરી ધોરણ ૧૦ માં કોચિંગ વગર ૯૯.૯૧ ટકા પર્સનટાઇલ A-૧ ગ્રેડ મેળવીને શિક્ષક પિતાનું નામ સાચા અર્થમાં રોશન કર્યું

ભવિષ્યમાં વૈજ્ઞાનિક તથા ઉચ્ચ સનદી અધિકારી બની સમાજના વિકાસમાં સિંહફાળો આપવાની ઈચ્છા વ્યક્ત કરતી દીકરી હેતિકા

આપણે આજે એવા શિક્ષકની વાત કરીએ છીએ જે ખરેખર સાધારણ નથી. “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મૈં પલતે હૈ” આ ઉક્તિને રાજપીપલામાં સાદગીપૂર્ણ જીવન જીવતા તથા પ્રાયમરી શિક્ષક તરીકે ફરજ નિભાવતા રોશનકુમાર પટેલે સાબિત કરી બતાવ્યુ છે.

આયોજનબદ્ધ રીતે દીકરીને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જેના પરિણામ સ્વરૂપ રાજપીપલાની વાત્સલ્ય વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ કરતી સામાન્ય પરિવારની દીકરી હેતિકાએ ધોરણ ૧૦ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી છે. જે તેમના પિતા માટે અસામાન્ય સિદ્ધિ છે. હેતિકાએ નર્મદા જિલ્લાને પણ ગૌરવાન્વીત થવાનો અવસર પ્રદાન કર્યો છે.

અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હેતિકાએ કોચિંગ વગર ૯૯.૯૧ ટકા પર્સનટાઇલ A-૧ ગ્રેડ મેળવ્યું છે. હેતિકાના શ્રેષ્ઠ પરિણામનો શ્રેય પિતા રોશનકુમાર પટેલને પણ જાય છે. દીકરીએ પણ પિતાનું નામ સાચા અર્થમાં રોશન કરી બતાવ્યું છે. દીકરી હેતિકાએ ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે તથા ઉચ્ચ સનદી અધિકારી તરીકે ગોલ સેટ કર્યુ છે. વધુમાં આ દીકરી સમાજ, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં સિંહફાળો આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ છે. હાલ રાજપીપલાની અંબુભાઈ પુરાણીમાં તાલીમ લઇ રહેલી હેતિકાએ રાજ્યકક્ષાએ જિમનાસ્ટિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉપરાંત દીકરી સંગીતમાં પણ રુચિ ધરાવે છે.હેતિકાની માતા નીલાબેન પટેલે પણ વર્ષ ૧૯૯૬ માં ધોરણ ૧૨ માં આર્ટસમાં પ્રથમ ક્રમ લાવીને નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પિતા શિક્ષક અને માતાની ભૂતકાળની સિદ્ધિએ હેતિકાને પ્રોત્સાહિત કર્યો છે. પિતા રોશનભાઇ જણાવે છે કે, મારી પુત્રી અભ્યાસમાં ઊંડાણપૂર્વક રસ લે છે. વધુમાં રમત અને સંગીત ક્ષેત્રે પણ હેતિકા ખૂબ રસ લઈને આગળ વધી રહી છે, ખરેખર ‘હેતી’ એ ધોરણ ૧૦ માં પ્રથમ ક્રમ લાવીને માતા-પિતા સહિત જિલ્લાનું નામ રોશન કર્યું છે. પિતા રોશન પણ કહી રહ્યા છે ‘મ્હારી છોરી કિસી છોરે સે કમ હૈ કે’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here