નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા, અગર અને તિલકવાડા ગામો માટે અંદાજે રૂા. ૫૦.૬૫ લાખના ખર્ચના ૫૪ જેટલા વિવિધ કામોના ખાતમૂહર્ત : ૧૩ જેટલા વિવિધ કામોના કરાયાં લોકાર્પણ

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીની ઉપસ્થિતિમાં  દેવલીયાની પ્રાથમિક શાળા ખાતે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નો  કાર્યક્રમ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮ મી નવેમ્બરથી તા.૨૦ મી નવેમ્બર સુધી યોજાયેલી રાજયવ્યાપી “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના ભાગરૂપે અંતિમ ચરણમાં આજે તિલકવાડા તાલુકાના દેવલીયા ગામની પ્રાથમિક શાળા ખાતે ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી.ભારથી, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, તિલકવાડાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ કલ્યાણના સમિતિના અધ્યક્ષ શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, દેવલીયા ગામના સરપંચ શ્રીમતી નીતાબેન ભીલ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચીનભાઇ શાહ, જિલ્લા અગ્રણી બાલુભાઈ બારીયા, જયેન્દ્રભાઇ પ્રજાપતિ સહિત પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ સહિતની વિશાળ ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી સરકારશ્રીના વિવિધ વિભાગોની અનેકવિધ જનકલ્યાણકારી લક્ષી યોજનાઓની માહિતી લોકો ઘર આંગણે જ મેળવીને વ્યક્તિ પોતે સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બને તે દિશાના પ્રયાસો સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા થકી દરેક વ્યક્તિ સાચી અને સમયસર માહિતી મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓની માહિતી પ્રદર્શિત કરવાની સાથે લોકોજાગૃતિ કેળવવામાં આવી રહી છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિએ જાતે જાણકારી મેળવી જાગૃત થવાની સાથે પોતે આત્મનિર્ભર બને તે દિશાનના સકાર ના પ્રયાસોમાં સહભાગી બનવા શ્રીમતી ભારથીએ ખાસ અનુરોધ કર્યો હતો.

શ્રીમતી પી. ભારથીએ વધુમાં ઉમેર્યું હતું કે, અસંગઠિત કામદાર લોકોને પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓની સાથે ઇ-શ્રમકાર્ડ મેળવી લઈને કેન્દ્રીય સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવાની સાથે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ થકી કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ નિયત કરાયેલા સહુ કોઈએ લઈને અન્ય દેશોની સરખામણીએ રસીકરણની કામગીરી આપણે નોંધપાત્ર-વેગવાન બનાવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ આત્મનિર્ભર યાત્રા દ્વારા પ્રજાલક્ષી અભિગમ દાખવીને લોકાર્પણ-ખાતમુહર્તની સાથે જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ વિભાગોની સહાયપણ પુરી પાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, તા. ૧૮ મી ના રોજ રાજ્યવ્યાપી પ્રારંભાયેલી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આજે ત્રીજો દિવસ છે, જે નર્મદા જિલ્લાની ૨૨ જિલ્લા પંચાયતની બેઠકોને આવરી લઇને તમામ ગામોમા આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા દ્રારા સરકાર ની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. તેની સાથોસાથ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો સહુ કોઇએ પૂરેપૂરો લાભ લઈને આત્મનિર્ભર બનવા અને વિવિધ યોજનાઓનો લાભ લેવાની સાથે જરૂરીયાતમંદ લોકોને પણ આ યોજનાઓનો લાભ અપાવીને આદર્શ અને આત્મનિર્ભર ગામ બનાવવાની સાથોસાથ આપણો તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા અગ્રણી બાલુભાઈ બારીયા, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. સુબોધ પાટીલે પ્રસંગોચિત પ્રવચનો કર્યો હતા અને આત્મા યોજનાના લાભાર્થી ગોપાલભાઈ બારીયાએ પ્રાકૃતિક ખેતી અંગેનો પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો.

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારતી સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૦૩ લાભાર્થીઓને આવાસની ચાવી, તિલકવાડા તાલુકાના ૦૬ જેટલા વિવિધ સખી મંડળોને રૂ. ૧૪.૫૪ લાખના CIF/RF ની સહાયના ચેક, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના ૪ લાભાર્થીઓને પ્લાઉડના પૂર્વ મંજૂરી હુકમ, ૨-લાભાર્થીઓને ઘાસચારાની કિટ્સ, ૧૨-લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડ, ૦૨ જેટલા બાગાયતકારોને છત્રી અને કિશાન પરિવહન યોજનાના ૦૨ લાભાર્થીને રૂા.૧.૨૫ લાખના સહાયના ચેક એનાયત કરાયા હતા.

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારતી સહિત અન્ય પદાધિકારીશ્રીઓના હસ્તે તિલકવાડા તાલુકાના દેવલીયા, અગર અને તિલકવાડા ગામો માટે અંદાજે રૂા. ૫૦.૬૫ લાખના ખર્ચના ૫૪ જેટલા વિવિધ કામોના ઇ-ખાતમૂહર્ત અને ૧૩ જેટલા વિવિધ કામોના ઇ-લોકાર્પણ કરાયાં હતાં.

પ્રારંભમાં તાલુકા વિકાસ અધિકારી આર.આર.બરજોડે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં વિસ્તરણ અધિકારી વિનોદભાઈ વસાવાએ આભારદર્શન કર્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયે ગ્રામજનોએ સરકાર ની વિવિધ યોજનાઓની માહિતીની જાણકારી આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથ દ્વારા ઓડીયો-વિડીઓ મારફતે મેળવી હતી. ત્યારબાદ ગ્રામ યાત્રાનો રથ તિલકવાડા તાલુકાના અગર અને તિલકવાડા ખાતે પરિભ્રમણ માટેની આયોજિત સૂચિ મુજબ દેવલીયા ખાતેથી પ્રસ્થાન કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here