ત્રિ-દિવસીય તાલુકા સ્વાગત કાર્યક્રમ પૂર્ણ: ડભોઈના અનેક અરજદારોની સમસ્યા બની ભૂતકાળ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

સ્વાગત કાર્યક્રમથી સરકારી કામો ખાનગી કરતા પણ વધારે ઝડપથી થાય છે: ડભોઈના અરજદારો

જનપ્રશ્નોના નિવારણનું માધ્યમ બની ચૂકેલા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ત્રિ-દિવસીય તાલુકા સ્વાગત કાર્યક્રમ આજે પૂર્ણ થયો. સ્વાગત સપ્તાહની ઉજવણી હેઠળ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વડોદરાના તાલુકાઓમાં અનેક અરજદારોની સમસ્યા હવે ભૂતકાળ બની ચૂકી છે. તાલુકા સ્વાગત કાર્યક્રમ થકી નાગરિકોને પોતાના પ્રશ્નોનું યોગ્ય અને સચોટ નિરાકરણ મળ્યું છે, તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

તાલુકા સ્વાગત કાર્યક્રમના અંતિમ દિવસે આજે ડભોઈ તાલુકામાં જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ અને પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોની રજૂઆતો સાંભળી હતી. જેમાંથી મોટા ભાગે રેશનકાર્ડ, દબાણ તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતા લાભો સંદર્ભે ફરિયાદો અને પ્રશ્નો હતા. તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડભોઈ તાલુકા સેવા સદનમાં આવેલી ૩૩ પૈકી ૩૨ અરજીઓને સ્થળ ઉપર જ મંજૂર કરી લાભો આપવામાં આવ્યા હતા.

જરૂરતમંદ નાગરિકોને સરકારી યોજનાનો લાભ તાત્કાલિક જ મળ્યાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળતી હતી. જિલ્લા પોલીસ વડાશ્રી અને પ્રાંત અધિકારીશ્રી તથા ચીફ ઓફિસર તેમજ તાલુકાની તમામ કચેરીના વડા તેમજ અરજદારો સાથે સંવાદ પણ સાધ્યો હતો. સ્થળ પર જ સમાધાન મળતા ડભોઈના અરજદારોએ સ્વાગત કાર્યક્રમ માટે સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે, નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોનું સમાધાન લાવવા માટે શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમને સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. સ્વાગત સપ્તાહની ઉજવણીમાં વડોદરામાં તાલુકા કક્ષાએ અનેક અરજદારોની અરજીઓનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. સામાન્ય પ્રજાના પ્રશ્નો અને અરજીઓની સુખદ ઉકેલ આવતા અને સ્થળ પર જ ગણતરીની મિનિટોમાં પ્રશ્નોનું નિરાકરણ આવી જતા જન-જનને સુશાસનની પ્રતીતિ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here