કોરોના વાઈરસની મહામારી સામેના જંગ વચ્ચે પણ અવિરત ધમધમતી રહી રાજકોટ મહાનગરપાલિકાની મૂળભૂત અને પ્રિ-મોન્સુન કામગીરી…

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

આજે જયારે સમગ્ર ભારત દેશ કોરોના વાઈરસની મહામારી સામે જંગ લડી રહયો છે, ત્યારે સૌ કોઈ લોકો પોતપોતાના ઘરમાં રહી દેશને અને આપણા રાજ્યને આ ભયંકર વાઇરસના સંક્રમણથી બચાવવા માટે પોતપોતાનું યોગદાન આપી રહયા છે. આવા કપરા સમય વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે. લોકડાઉન વચ્ચે લોકોને તેમના ઘરે જ જીવનજરૂરીયાતની સામગ્રી મળી રહે તેની વ્યવસ્થા સારીરીતે કાર્યરત્ત રહે તે માટે તેઓ સતત પ્રયાસો કરી રહયા છે. સાથોસાથ નાગરિકોને અન્ય કેટલીક આવશ્યક સેવાઓ નિયમિત મળતી રહે તે માટે પણ રાજકોટ મહાનગરપાલિકા દિવસરાત જોયા વગર સંપૂર્ણપણે ગંભીરતાથી પોતાની ફરજ બજાવી રહી છે, જેમકે પાણી, ડ્રેનેજ, ગટરને લગતી કામગીરી, વોંકળા સફાઈ, રાત્રી સફાઈ ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ જેવી મૂળભૂત કામગીરી અને પ્રિ-મોન્સુનને લગત તમામ કામગીરીઓનો સમાવેશ થાય છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

પાણી:- આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી “સૌની યોજના” અમલમાં મૂકી છે ત્યારથી રાજકોટને પીવાના પાણી બાબતે જબરદસ્ત રાહત મળી ચુકી છે, કોરોના વાયરસના ભય વચ્ચે પણ શહેરીજનોને રોજેરોજ તેમના ઘેર પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. “સૌની યોજના” થકી નર્મદાથી આજી-૧ ડેમ અને ન્યારી-૧ ડેમમાં પાણી પહોંચાડવામાં આવી રહયું છે. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ તેમના ઘેર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી નાગરિકોના ઘર સુધી પહોંચે તે પહેલા ઘણી લાંબી સફર કાપી ચૂક્યું હોય છે. ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચતું પાણી શુધ્ધ થાય છે ને તેને ક્લોરીનેટેડ કરવામાં આવે છે. ત્યાંથી વોર્ડના વિસ્તારના ઈ.એસ.આર.-જી.એસ.આર. માં સંગ્રહ થાય છે અને ત્યાંથી પછી નાગરિકોના ઘરના નળ સુધી પહોંચે છે. વોટર વર્કસના ફિલ્ટર પ્લાન્ટની નિયમિત જાળવણી અને ઈ.એસ.આર. તથા જી.એસ.આર.ની રેગ્યુલર સફાઈ પણ કરવામાં આવી રહી છે. વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા પમ્પિંગ સ્ટેશન, રાઈઝીંગ મેઈન તથા હેડ વર્કસના સિવિલ તથા નિભાવ મરામતની કામગીરી નિયમિત કરવામાં આવતી હોય છે.

ડ્રેનેજ:- ઘરમાં વાપરતા પાણીનો તત્કાલ અને અવિરત નિકાલ થતો રહે તે માટે ભૂગર્ભ ગટર સિસ્ટમ વ્યવસ્થિતરીતે કાર્યરત જ રહે તે પણ જરૂરી છે. આ માટે આવશ્યકતા મુજબ ડ્રેનેજ મેનહોલ અને પાઈપલાઈનની નિયમિત સફાઈ કરવામાં આવે છે. તેમજ વપરાયેલા પાણીનો જથ્થો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડી ત્યાં તેને શુધ્ધ કરવામાં આવે છે. ડ્રેનેજ પાઈપલાઈન મારફત વપરાશી પાણીનો વ્યવસ્થિત નિકાલ થતો રહે તે માટે યોગ્ય સમયે સમયે ડ્રેનેજ મેનહોલ વગેરેની સફાઈ અને જાળવણી પણ કરતા રહેવું જરૂરી બને છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પીગ સ્ટેશનની પણ નિયમિત મરામત કરતા રહયા છે, ડ્રેનેજ સ્ટાફ દ્વારા મશીનરીની નિયમિત સાફ-સફાઈ થાય છે.

વોંકળા સફાઈ કામગીરી:- શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતા વોંકળાઓ મારફત વપરાશી અને રેઈન વોટરનો નિકાલ થાય છે. વોકળામાં એકત્ર થયેલ કચરો વખતોવખત સાફ કરતા રહી પાણીનો નિરંતર નિકાલ થતો રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે તેમજ ચોમાસા પૂર્વે જ વોંકળાઓની વ્યવસ્થિત સફાઈ કરી વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ:- કોરોના મહામારીના વર્તમાન સમયમાં સંક્રમણને આગળ ધપતું અટકાવવા માટે પણ શહેરને સ્વચ્છ રાખવું જરૂરી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ અને રાત કચરો અને ગંદકી સાફ કરવા માટે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સફાઈ કામદારો અને સફાઈના અત્યાધુનિક સાધનો કાર્યરત રહે છે રાત્રે ટીપર વાન મારફત દ્વારા એકત્ર કરાયેલ કચરાનો તુરંત જ યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નિયમિત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાની કામગીરી અને પ્રોસેસિંગ પ્લાન્ટની કામગીરી કરવામાં આવી રહી છે.

ફાયર એન્ડ ઇમરજન્સી:- લોકોને આપત્તિ સમયે રાહત બચાવની કામગીરી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતા મનપાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના જવાનો પોતાના સાધનોથી સુસજ્જ રહે છે. આગ કે અન્ય અકસ્માત વખતે ફાયરના જવાનો યુધ્ધના ધોરણે રાહત બચાવ કાર્યમાં જોડાઈ જાય છે.

રોશની : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો આવરી લેતી સ્ટ્રીટ લાઈટની સેવા પણ અવિરત અને વિક્ષેપ વગર મળતી રહે તે માટે રોશની ડીપાર્ટમેન્ટનો સ્ટાફ સતત પોતાની ફરજ બજાવી રહયો છે. જેમાં નિયમિત સ્ટ્રીટ લાઈટની ચકાસણી કરતા રહયા છે. જરૂર જણાયે સ્ટ્રીટ લાઈટની મરામત કરવાની થતી હોય છે. બિલ્ડિંગ ઈલેક્ટ્રીફિકેશનની નિભાવ અને મરામત કરતા રહયા છે. શહેરના ઇલેક્ટ્રિક સ્મશાનમાં નિયમિત જરૂરી ચકાસણી કરતા રહે છે.

પાર્કસ એન્ડ ગાર્ડન્સ: મહાનગરપાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન્સ શાખા દ્વારા શહેરમાં આવેલ નાના મોટા બાગ બગીચાઓની મરામત કરાવવી, સ્વચ્છતા રાખવી અને જરૂરી જણાયે વૃક્ષોની જાળવણી કરવામાં આવતી હોય છે. બાળકો માટેના બાલ ક્રિડાંગણની જાળવણી કરાવવામાં આવે છે. સીનીયર સિટિઝન પાર્કસની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મુખ્ય માર્ગો પર આવેલ રોડ ડીવાઈડરમાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. જેનાથી શહેરના ફેલાતા પ્રદુષણમાં નોંધપાત્ર ફાયદો થાય છે. શહેરમાં આકસ્મિક બનતા બનાવો કેવાકે આકસ્મિક પડતા વૃક્ષોને તાત્કાલિક દુર કરવાની કામગીરી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here