કાલોલ શિશુ મંદિર પાછળ નદી કાંઠાના ખેતરમાં એક બેકરી કંપનીનો એકસપાયર્ડ થયેલો અખાદ્ય જથ્થો ખુલ્લેઆમ ફેંકી દેવાતા સ્થાનિકોમાં રોષ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

મામલતદાર વિભાગે અખાદ્ય જથ્થા અંગે જવાબદાર કંપની સામે સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરી

કાલોલ શહેર વિસ્તારના હાઈવે સ્થિત શામળદેવી ચોકડી પર આવેલી શિશુ મંદિર સંકુલની પાછળના ભાગમાં આવેલી ગોમા નદીના કાંઠા વિસ્તારના એક ખેતરમાં ખુલ્લેઆમ રીતે બે ત્રણ ટ્રેકટર ભરેલો કોઈ બેકરી કંપનીનો એકસપાયર્ડ થયેલો અખાદ્ય જથ્થો ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે અખાદ્ય જથ્થામાં બેકરી કંપનીના ટોસ, ખારીના બિસ્કીટનો જથ્થો મળી આવ્યો હતો, જેથી તેની દુર્ગંધ છેક શિશુ મંદિર સંકુલ સુધી ફેલાતી હતી. જે ઘટના અંગે સ્થાનિક મામલતદાર કચેરીને જાણ કરતા મામલતદાર વિભાગના સક્ષમ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી સ્કુલ સંકુલ પાછળ અને નદી કાંઠાના વિસ્તારમાં જાહેર ઉપદ્રવ ફેલાવે તેવા અખાદ્ય જથ્થાનું નિરીક્ષણ કરી અખાદ્ય જથ્થાના પેકિંગની વિગતો મુજબ કાલોલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ફુડ કંપનીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મામલતદાર વિભાગે જવાબદાર કંપનીએ અખાદ્ય જથ્થાને નાશ કરવાના ધારાધોરણ મુજબ નાશ કરવાને સ્થાને જાહેર જગ્યાએ ઉપદ્રવ ફેલાવે તેવી ગંભીર ક્ષતિઓ કરવા સામે મામલતદાર વિભાગે તાત્કાલિક અસરથી જવાબદાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ગતિવિધિઓ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર વિભાગને જરૂરી કાર્યવાહી અંગે સક્ષમ અધિકારીઓએ બેકરીની પેદાશોનું ઉત્પાદન કરતી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીની મુલાકાત કરીને ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને પેકિંગ અંગે સ્થળ તપાસ કરતા કંપનીમાં પણ બેકરી પેદાશોના ઉત્પાદન અને પેકિંગ‌ કરતા લેબરવર્ક દરમ્યાન સુરક્ષાના ધારાધોરણ સાથે પણ ઘણી લાપરવાહી અને છેડછાડ થતી હોવાનું સક્ષમ અધિકારીઓએ નોંધ્યું છે. જોકે પાછલા બે દિવસમાં બેકરીના ખાદ્ય પદાર્થો ઉત્પાદ કંપનીના જવાબદાર અધિકારી કંપની ખાતે ઉપસ્થિત નહીં હોવાને કારણે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેવું મામલતદાર વિભાગે જણાવ્યું હતું. આ સમગ્ર મામલે શાળા સંકુલની પાછળ નિર્દોષ બાળકોના અને નદી કાંઠાના વિસ્તારોમાં ઘાસચારો ચરતા પશુઓના આરોગ્ય સાથે ચેડાં થાય એ રીતે અખાદ્ય જથ્થો જાહેર જગ્યાએ ફેંકી દેવાની અને બેકરીની પેદાશોના ઉત્પાદનમાં આચરવામાં આવતી લાપરવાહી દાખવતી જવાબદાર કંપની સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here