કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા ખંડોળી જલારામધામ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની વાડીનું ખાતમૂહુર્ત અને સામુહિક શસ્ત્રપુજન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ખંડોળી ખાતે ક્ષત્રિય સમાજની વાડીનું સનાતન ધર્મના સંત કલ્યાણદાસ મહારાજના હસ્તે વિધિવત ખાતમૂહુર્ત કરવામાં આવ્યું

કાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસે પણ શસ્ત્રપુજન કર્યું

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી સંગઠન દ્વારા દશેરા પર્વ નિમિત્તે ખંડોળી જલારામ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની વાડીનું ખાતમૂહુર્ત અને સામુહિક શસ્ત્રપુજનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાલોલ તાલુકાના ક્ષત્રિય સંગઠનના અગ્રણીઓ અને સમિતિના સભ્યોના આયોજન મુજબ સવારે દશ કલાકે કાલોલ શહેરના શિશુ મંદિર સંકુલથી મોટરસાયકલો તિરંગા અને ભગવા રંગની પતાકાઓ સાથે રેલી યોજીને તાલુકાના ખંડોળી ગામના જલારામ મંદિર સુધીની ભવ્ય રેલી યોજાઇ હતી. આ રેલીમાં કાલોલ તાલુકાના અનેક ગામોના ક્ષત્રિયો જોડાયા હતા. મોટરસાયકલ રેલીના અંતે ક્ષત્રિય સમાજની વાડીનું સનાતન ધર્મના સંત કલ્યાણદાસ મહારાજના હસ્તે વિધિવત ખાતમૂહુર્ત કરીને મંદિરના ચોગાનમાં શક્તિપુજનના મહિમાસભર શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીને કારણે વહીવટી તંત્રના સુચનો મુજબ સોશ્યિલ ડિસ્ટન્સના પાલન મુજબ સિમિત સંખ્યામાં વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેથી આ વર્ષે છુટછાટના ધોરણે કાલોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામેગામથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થયા હતા જેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ક્ષત્રિય યુવકોએ હાથમાં વિવિધ શસ્ત્રોની જલારામધામ મંદિર ખાતે એકત્રિત થઈને સામુહિક શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજની વાડીનું નવનિર્માણ કરવા માટે કાલોલ તાલુકાના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર અને પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ સહિતના ભાજપના નેતાઓ અને સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહેલા સમગ્ર સમાજજનો સમક્ષ પોતાના સહયોગ માટેના ચેક અને રોકડ રકમ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી.

દશેરા પર્વ નિમિતે કાલોલ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ સુરક્ષા હેતુસર વપરાતા શસ્ત્રોનુ પૂજન કરવામાં આવ્યું હતું. હાલમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોસઈ જે.ડી તરાલના નેતૃત્વમાં સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પ્રજાની સુરક્ષા અને સલામતીના હેતુસર વપરાતા શસ્ત્રોની પરંપરા અને પ્રજાની સુરક્ષાના સંકલ્પ સાથે શસ્ત્ર પૂજા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here