કાલોલમાં અંધેર નગરી જેવું પાલિકાનું શાસન… સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ એક વેપારીને બે હજાર રૂપિયાનો દંડ ફટકારતી પાલિકા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પાલિકાના કર્મચારીઓ જ નિયમોનું પાલન ન કરે તો જવાબદાર કોણ ? વ્યક્તિ જોઈને દંડ વસૂલ કરતી પ્રથા સામે વિરોધ…

મહિલા કાઉન્સિલરના પતિના કહેવાથી વેપારીને મોટો દંડ ફટકારતી નગર પાલિકા નગરમાં બીજે નિયમોનું પાલન કરાવશે ખરી..!!?

કાલોલ નગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂપિયા 200 નો દંડ લેવાની જોર જોરથી જાહેરાત કરવામાં આવેલી પરંતુ માત્ર બે થી ત્રણ દિવસ સુધી દેખાવ પૂરતી આવી કામગીરી કરી નગરપાલિકાએ આત્મસંતોષ માન્યો હતો. કાલોલ નગરમાં બેફિકરાઈથી માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના લોકો ફરી રહ્યા છે હજુ ગઈકાલે જ એટલે કે સોમવારે સાંજે જ સર્વોદય સોસાયટીમાં કોરોના પોઝિટિવનો એક કેસ આવ્યાની શાહી સૂકાઇ નથી ત્યાં તો કાલોલની દરેક ગલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. સોમવારે બપોરે કાલોલ બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં કાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એક ખ્યાતનામ લસ્સીના વેપારીને સોશિયલ ડિસ્ટન્સનું પ્રમાણ જળવાતું નથી તેવું કારણ આપી રૂપિયા બે હજાર જેટલો દંડ સ્થળ ઉપર વસુલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ કાલોલ નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા કાલોલ નગરપાલિકામાં સખતપણે સૂચનાઓ આપતા આ કોર્પોરેટરના પતિના દબાણમાં આવીને કાલોલ નગરપાલિકાએ આવો જંગી દંડ વસુલ કરેલો હોવાનું જાણવા મળ્યું છે નગરપાલિકાના કર્મચારીઓએ જણાવ્યું કે અમે વારંવાર આ વ્યાપારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ફક્ત પાર્સલની સુવિધા ચાલુ રાખવાનું કહ્યું હોવા છતાં પણ આ વેપારી ગ્રાહકોને ઊભા રાખીને લસ્સીનું વેચાણ કરતો હતો જેથી આટલી મોટી રકમનો દંડ ફટકાર્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે કાલોલ નગરપાલિકામાં હજુ પણ ચૂંટાયેલા મહિલા સભ્યોનો વહીવટ તેઓના પતિ દ્વારા થતો હોય તેવું બહાર આવી રહ્યું છે .મંગળવારના સવારમાં કાલોલ નગરપાલિકામાં પ્રવેશ દ્વાર ઉપર આવેલા મુલાકાતીઓની નોંધ કરતો કર્મચારી ખુદ માસ્ક વગર જોવા મળેલો અને પાલિકાની બહાર લોકટોળા જોવા મળેલા. ઉપરાંત હાઈવે પર તળાવ વિસ્તારમાં બનાવી રહેલ પાલિકાના સંપમાં કામ કરતા તમામ કર્મચારીઓ પણ સોશીયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના અને માસ્ક પહેર્યા વિના કામ કરી રહેલા જોવા મળેલ આ ઉપરાંત કાલોલ મામલતદાર કચેરી કાલોલ તાલુકા પંચાયત કચેરી કાલોલ બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ લોકો સોશિયલ ડિસ્ટન્સ ની ધરાર અવગણના કરી ઉભેલા, ટોળે વળેલા જોવા મળે છે જેની ઉપર કાયદેસર કાર્યવાહી કાલોલ નગરપાલિકા દ્વારા ક્યા કારણે થતી નથી તેવો પ્રશ્ન ઉદ્ભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here