“મને પ્રેમ કર” પછી હવે ” હું તો કેવળ પ્રેમ” તરફ વહેતો ગીતસંગ્રહ ‘રાગ શિવાલી’

ગોધરા,(પંચમહાલ)
ડો.રાજેશ વણકર

રિષભ મહેતા મૂળે પાસબુકમાં પગારની એન્ટ્રી ક્યારેય પડાવી નથી એવા શિક્ષક-અધ્યાપક. કૉલેજને સર્જનાત્મક પરિવેશ આપનારા આચાર્ય પણ ખરા. એમના કંઠે ગવાયેલાં ગીતો ગઝલો સાંભળવાનો લ્હાવો ગુજરાતના લગભગ તમામ સાહિત્ય અને સંગીતપ્રેમીઓને મળ્યો હશે. જૂની નવી પેઢી બેયમાં સાહેબ પ્રિય રહ્યા છે. લયતાલના સાચુકલા જાણતલ. સાહિત્યના ઉત્તમ ભાવક. અને સર્જક તરીકે તેમણે તિરાડ, આશકા, સંભવામિ ગઝલે ગઝલે વગેરે કાવ્યસંગ્રહો આપ્યા છે, એમણે સ્વર આપ્યો હોય કે સ્વરાંકન કર્યું હોય એવા આલ્બમ પણ પ્રકાશિત છે. અઢળક મુશાયરાઓ તેમના વડે રળિયાત બન્યા છે. તો અનેક સન્માનો એમને મળ્યાં છે. એમની ગીત સાધના વિશે પોતે કશી અપેક્ષાઓ કે આડમ્બરો વગર કહે છે કે-
” મેં ગીત તરફ હાથ લંબાવ્યો…જેટલું નજીક જઇ શકાય એટલા નજીક જવા પ્રયત્ન કર્યો, જેટલો પણ એનો સ્પર્શ પામી શકાય, જેટલું પણ એનું રૂપ જોઈ શકાય જેટલું પણ એને જાણી શકાય, માણી શકાય, પામી શકાય એ મારું નશીબ એમ માનીને ગીતરચનામાં પ્રવૃત્ત થયો.”
આટલું નિવેદન જ કહી આપે કે આ સર્જકના ધબકારમાં છબછબિયાં નથી.તળ સુંધી જવાની ખેવના છે. અને એ તેમના આ ગીતસંગ્રહ” ગા.. ગા.. ગા.. ગા.. રાગ શિવાલી” માં આપણે પાને પાને જોઇ અનુભવી શકીએ છીએ.
સંગ્રહના આરંભે જ્યેન્દ્ર શેખડીવાળા લખે છે કે ” રાગ શિવાલી ની કાવ્યસૃષ્ટિ આવી જ કોઈ અનાકારમાંથી આકાર ધારણ કરતી નવ્ય લાગણીને શબ્દબદ્ધ કરે છે ” સંગ્રહનું શીર્ષક કવિએ પુત્ર રાગ અને પુત્રવધુ શિવાલીના નામ સાથે જોડયું છે. ગાયત્રીબેન પણ સુર સંગીત અને સાહિત્યનાં સાધક. આ નાતે આ ગીતોના લયવિશ્વ વિશે તો કશું કહેવાનું હોય જ નહીં. માણીએ એટલો ઓછો. ગીતોની સાહિત્યિકતા પણ આપણે જેમ માણીએ એમ અવનવા આયામ લઈને આવે છે.
બાસઠ જેટલાં ગીતોમાંથી જેમ જેમ પસાર થઈએ એમ એમ ભાષા અને સંવેદનોનો આગવો પડાવ આ કવિતામાં મળે. સર્જક ગીતમાં એમની સમજ બહુ સાચી રીતે મૂકે છે કે-
” પુસ્તક કહો છો જેને વાચકજી એ તો છે શબ્દોનો મંચ” આમ માત્ર શબ્દપ્રપંચ એ સર્જન નથી એવુ જાણી ગયેલા આ સર્જક છે.
આ કવિની પ્યાસ અપાર છે. સતત નવું કરવાની, શીખવાની, પામવાની ધગશ હોય ને એ જ આવું લખી શકે-
“સિંધુ, સરવર,નદીથી માંડી ખાબોચિયામાં પાણી તેમ છતાં પણ કેમ કદી પણ તરસ નથી જ છીપાણી” એક ગીતમાં કવિ લખે છે કે-
” ગીત ગઝલ તો એક બહાનું મારે તમને લખવાના પંક્તિઓના પડદામાં રહી તમને મારે નીરખવાના”
કવિતા એક સાધના છે, પરમ તત્વની ખોજ છે. અને એનું માધ્યમ ભાષા છે એના વિવિધ રૂપ છે. બસ એ રૂપ સુંદર હોય તો પેલું પરમતત્વ સાવ પાસે લાગે એને નીરખી શકાય. પણ એટલું સબળ પેલું માધ્યમ સાધના બનીને પ્રગટ થાય તો.
કવિએ ગીત લખું તો કોના માટે એ શીર્ષક હેઠળ ત્રણ ગીતો આપીને એમાં આખું જીવન મૂક્યું છે કમભાગી બચપણ, ભ્રમિત યૌવન અને લાચાર ઘડપણ.
ક્યાં તો…ગીતનો ઉઘાડ આવો છે
ક્યાં તો હળીએ, પળ પળ મળીએ,
એક બીજામાં ભળીએ ને ઓગળીએ
ક્યાં તો એકબીજાથી છૂટીએ,
પળ પળ તૂટીએ પાણી વચ્ચે બળીએ…!
માણસ માણસ વચ્ચેની એકતા અને તિરાડ વચ્ચેનો આખો ભેદ સમજાવતું આ ગીત જો સમજાય તોય ઘણા પ્રશ્નો આપોઆપ ટળી જાય.
આ કવિ એક જગ્યાએ લખે છે કે મને પ્રેમ કર… આ પ્રેમના કવિ છે વેર કે ઈર્ષાના નહીં, કશા ભેદભાવથી કવિ પર છે એટલે જ અહીં આવાં ગીતો મળે છે કે –

  • હું તો કેવળ પ્રેમ છું મારાથી ના ડર
  • ના તો હું કોઈ જાતિ છું કે ના તો હું કોઈ વ્યક્તિ
    હું તો કેવળ પ્રેમ,શું તને પડે છે વ્હેમ…?
  • હું તને ચાહું છું આ પંક્તિનો છંદ ઓળખતા શીખ
  • બરફ બનેલા એક સરોવરને સૂરજનું ચુંબન દઉ
    આમ અહીં છલોછલ પ્રેમની વાત છે. આજે જગત જ્યારે જાતિ ધર્મ,વિચાર,વ્યવહાર વગેરે બહાને લડવા નીકળ્ત્યરે આ શાશ્વત મૂલ્ય એવું પ્રેમનું તત્વ જ સંજીવની બની જાય છે. જે આ ગીતોમાં મળે.
    માણસ માણસ વચ્ચે કશા નામ વિનાનો સબંધ હોય તો એનું નામી સંબધો કરતા ઉંચુ મૂલ્ય છે. નામ સામે તો અનેક પ્રશ્નો છે પણ અનામી સંબંધો ખૂબ ઉંચા હોય છે જુઓ કવિ લખે છે કે – નામ વગરનો સંબંધ જળથી હશે અગર તો સ્મરણ માત્રથી ભીના થવાશે નદી તળાવો સરવરિયા જો બની ગયાં તો સૂરજની સામે નહીં ટકાશે.
    એક નકામ જ્યોતિષીનું ગીત આ બધામાં જરા જુદું તરી આવે છે
    મારી હથેળીના ધગધગતા સહેરામાં રેખાના હરણાંઓ હાંફે એ તરસ્યાં રહ્યાં તો કોના પાપે ?
    આ ગીતનો સુંદર લય છે. અને અર્થસભર પણ એટલું જ છે.
    છુટા પડવાના દુનિયા માટે અનેક કારણો હોય પણ સંવેદનશીલ મનુષ્ય માટે તો પ્રેમ પણ પ્રેમનું મારણ બની જાય એમ પણ બને આ ગીત જુઓ-
    તુજથી દૂર થવાનું સાજન કેવળ એક જ કારણ
    જેમ ઘટાડો તેમ વધે છે પ્રીતનું બંધારણ
    આ સંગ્રહમાં મા વિશે પણ ગીત છે
  • ક્ષણથી સદી સુધી જે લઈ જાય છે તે મા
  • રણથી નદી સુંધી જે લઈ જાય છે તે મા
  • કવિનાં ગીતોમાં ક્યાંક કોઈને ગઝલનો ગાગા મળે બની શકે પણ કવિ ગીતના સાધક છે એટલે જ કહે છે કે
  • ગીત એક પણ નહીં જ હું જો ગાઉં તો શું ફેર પડે ?
  • ધબાક દઈને પળમાં આખું સાત સ્વરોનું શહેર પડે ?
  • આ ગીતોમાં ઘણી જગ્યાએ પ્રશ્નાર્થ છે. એ પ્રશ્નો બધા અંદરની મથામણના લાગણીઓના ઘૂઘવાટના છે એ જ ગીતમાં આગળ જાવ એટલે તમને એનો જવાબ પણ મળે. કવિતાનું કામ લાગણીનાં વમળને આલેખવાનું અને એને શાંત કરવાનું પણ છે જે આ કવિ કરે છે શબ્દ વડે લય વડે.
  • જુઓ ગીત ન ગાઉં તો નો જવાબ એ જ ગીતમાં
  • એક સામટાવરસ એમાંથી મારાં ઇકોતેર પડે..
    આમ ગીત વિના નથી જીવાતું ગીત એ આપણી ભારતીય સર્જત છે અને ભારત સૌથી પ્રાચીન છે ત્યારે ગીત અનાદિકાળથી ચાલ્યો આવેલો પ્રકાર આ કવિએ બખૂબી નિભાવ્યો છે.
    કવિએ પૂર્વસૂરિ અને એમને ગમતા સર્જક રમેશ પારેખ વિશે પણ ગીતો લખ્યાં છે
    ઢાળ ઉતરતી ટેકરીઓ પર સોનલ તમને યાદ કરે છે.
    ફૂલ દીધાનો આંજી અવસર સોનલ તમને યાદ કરે છે.
    આમ અવનવા મિજાજના, અવનવા લયનાં અને લાગણીઓનાં આ ગીતો છે.
    એ શબ્દોમાં સર્જકે જે ભાવવિશ્વ મૂક્યું છે એ પણ સ્પર્શી જાય એવું છે. એને અનુરુપ એવો લય આ સંગીત અને ગાયનકલા જેમને લાધી છે એવા રિષભ મહેતા બખૂબી નિભાવી જાણે છે. અને એટલે જ ગાગાગાગા રાગ શિવાલી એટલે ગાયન વાદન અને ગીતમાંથી જન્મેલું અદભુત સાહિત્યસર્જન.
    પુસ્તકપ્રાપ્તિ
    રાગ શિવાલી(ગીત સંગ્રહ)
    2019 રિષભ મહેતા.
    પ્રકાશક : લજ્જા પબ્લિકેશન, વલ્લભ વિદ્યાનગર.

1 COMMENT

  1. ડોક્ટર રાજેશ વણકર,
    આનંદ ભયો!!ખુબ સરળબાનીમાં તલસ્પર્શી રીતે ગા ગા ગા રાગ શિવાલી ગા નો અભ્યાસ લેખ રજૂ કર્યો.મારા જેવાં ગીતનું પોત સુધ્ધાં ન જાણતાં અજાણ્યા ભાવક માટે તમારું અવલોકન દિવાદાંડી બની રહ્યું.આપના આ યત્નથી ફરીવાર આ સંગ્રહમાંથી પસાર થવાનું થયું.પાછો બૂડ્યો ને ફરીવાર તરબોળ થવાયું.આ સાથે મહેતા સાહેબને પણ અભિનંદન.
    આખી ઘટના અૈતિહાસિક અે રીતે બની રહી કે પોતાનાં ધેર આવનાર દિકરીનું સૂરાવલીથી-શબ્દોથી સ્વાગત કરનાર અેકમાત્ર આપ જ હોઇ શકો.ફરીવાર આવકાર.આનંદોત્સવ.
    આપનો ગુણાનુરાગી
    બ્રિજ પાઠક (વડોદરા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here