શિક્ષક દિને શિક્ષકોનું થઇ રહેલું સન્માન એ માનવ સમાજ અને દેશના ઘડવૈયાઓનું સન્માન છે : આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દેશનો પ્રત્યેક નાગરિક દેશદાઝ, આત્મનિર્ભરતા, દેશાભિમાન, પ્રામાણિકતા, નિડરતા અને આત્મવિશ્વાસથી ભરપૂર બને તેવું બાળકોનું ઘડતર કરવા સામૂહિક રીતે સંકલ્પબધ્ધ થવા આહવાન

સમગ્ર વિશ્વમાં “માં ભારતી” ને પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે લઈ જવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઇ રહેલા પ્રયાસોને સૌનું સહિયારું બળ પ્રાપ્ત થાય તે દિશામાં કટિબધ્ધ થવા મંત્રી કાનાણીનો અનુરોધ

વૈશ્વિક કોરોનાની મહામારીમાં શિક્ષકોએ કોરોના સર્વેની કામગીરીની સાથે ઉજાગર કરેલી માનવ-સમાજની કર્તવ્ય ભાવનાને બિરદાવી સમગ્ર શિક્ષક આલમને મંત્રીએ પાઠવ્યાં અભિનંદન

રાજપીપલામાં મંત્રી કિશોરભાઈ કાનાણી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા-તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પુષ્પગુછ-શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર-પુરસ્કાર સાથે કરાયું સન્માન : નિવૃત્ત શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ કરાયું બહુમાન

નર્મદા જિલ્લામાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીનાચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઇ ભગત, આચાર્ય સંઘના પ્રમુખ યોગેશભાઇ ભાલાણી સહિતના અન્ય હોદ્દેદારો , શિક્ષણશાસ્ત્રીઓ, શાળા પરિવારના સારસ્વત મિત્રો, ગુરૂજનો, વિદ્યાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના પારિતોષિક વિતરણ માટે યોજાયેલા સમારોહને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે હાંસલ કરાયેલી વિશિષ્ઠ સિદ્ધિઓને આવરી લેતી દસ્તાવેજી ફિલ્મના નિદર્શનને સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કિશોરભાઈ કાનાણી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લાકક્ષાના-૪ અને તાલુકાકક્ષાના-૮ સહિત કુલ-૧૨ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને પુષ્પગુછ-શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર એનાયત કરવાની સાથે જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૧૫ હજાર તેમજ તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રૂા.૫ હજારના પુરસ્કાર અર્પણ કરી તેમનું સન્માન કરાયું હતું. તેવી જ રીતે નિવૃત્તિ પામેલા ૧૦ શિક્ષકોને પણ પુષ્પગુછ-શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરવાની સાથે ૬ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું અભિવાદન કરાયું હતું.
આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી (કુમાર) એ સમારંભના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષક દિને શિક્ષકોનું થઇ રહેલું સન્માન એ માનવ સમાજ અને દેશના ઘડવૈયાઓનું સન્માન છે. ડિગ્રી, નોકરી કે ધંધો વેપાર નહીં, પરંતુ તેની સાથોસાથ બાળકોમાં દેશદાઝ, આત્મનિર્ભરતા, દેશાભિમાન, પ્રામાણિકતા, નિડરતા અને આત્મવિશ્વાસથી ભરપૂર દેશનો પ્રત્યેક નાગરિક બને તેવું બાળકોનું ઘડતર કરવા સૌને સામૂહિક રીતે સંકલ્પબધ્ધ થવા કાનાણીએ આહવાન કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીબાપુ એવું કહેતા હતા કે, વેપાર, નોકરી-ધંધો એ આજીવિકા હોઈ શકે પણ તેની સાથોસાથ આપણે આપણી ઈમાનદારીથી ફરજ નિભાવીએ અને એક એવા નાગરિકનું ઘડતર થાય કે જે દેશ માટે લડી શકે અને દેશ માટે કામ કરી શકે.
સમગ્ર દેશભરમાં શિક્ષક દિન નિમિત્તે પૂ. ગાંધીબાપુ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ તેમજ આઝાદીના અનેક લડવૈયાઓ અને વીર શહીદોના સ્વપ્નને સાકાર કરવા અને સમગ્ર વિશ્વમાં “માં ભારતી” ને પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે લઈ જવા આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઇ રહેલા પ્રયાસોને સૌનું સહિયારું બળ પ્રાપ્ત થાય તે દિશામાં કટિબધ્ધ થવા મંત્રીશ્રી કાનાણીએ ખાસ અનુરોધ કર્યો હતો.

મંત્રી કિશોરભાઇ કાનાણીએ વૈશ્વિક કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન શિક્ષકોએ કોરોના સર્વેના કામની સાથોસાથ માનવ સમાજની કર્તવ્ય ભાવનાને ઉજાગર કરવાની કામગીરીને બિરદાવી સમગ્ર શિક્ષક આલમને અભિનંદન આપ્યાં હતાં.
કોઈ પણ ધર્મ ભાવના સાથે જોડાયેલી વ્યક્તિમાં જીવનમાં ખોટું કરવાનો ડર રહેલો હોય છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી એ આપણી ફરજ છે અને આવી ફરજ આપનો ધર્મ બની જતો હોય છે અને તેમાં દેશભક્તિ-માનવસેવાના સમન્વયથી તે પ્રભુભક્તિ બની જાય છે, ત્યારે આજના બાળકો અને દેશના ભાવિ નાગરિકોમાં આ પ્રકારના સંસ્કારોનું સિંચન થાય તે જોવા મંત્રી કાનાણીએ ખાસ હિમાયત કરી હતી.

નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ સમારોહના મુખ્યમહેમાનપદેથી ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર: ગુરૂ સાક્ષાત પરંબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નું પઠન કરતાં જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના સૂચન અને લાગણી મુજબ તેમના જન્મદિનની શિક્ષક દિન તરીકેની થઈ રહેલી ઉજવણી થકી તેઓ એ શિક્ષકોનું ગૌરવ વધાર્યું છે, સરકાર તરફથી નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે, ત્યારે આપણે સૌ ભેગા મળીને જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે પણ જરૂરી ચિંતન-મંથન થકી શિક્ષણને સન્માનજનક રીતે આગળ લઈ જવા માટે કટિબધ્ધ થવા તેમને ખાસ અનુરોધ કર્યો હતો.

ભરૂચદૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં શિક્ષક તરીકે તેમને આપેલી સેવાઓને વાગોળી હતી. શિક્ષકોને આજીવન વિદ્યાર્થી બનીને નિત નવી ટેકનોલોજી અને સંશોધનોથી સતત અવગત થવાની સાથે વિધાર્થીઓને તેનું જ્ઞાન પીરસવા અને શિક્ષણમાં નવિનીકરણ લાવવાનો સતત પ્રયાસ કરવાનો ખાસ અનુરોધ કરી સરકારશ્રી દ્વારા ગુજરાતમાં શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા કરાયેલા પ્રયાસોની રૂપરેખા પણ તેમણે આપી હતી.
પ્રારંભમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી શિક્ષકદિનની ઉજવણીની રૂપરેખા આપી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન ૧૯૬૪ થી અવિરત પણે દરવર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવાતા શિક્ષકદિને શિક્ષકોનું હૈયું હિલોળે ચઢવાની સાથેનો આ અવસર આનંદ ગૌરવનો બને છે. શિક્ષકની ઉપમા આપતાં તેમણે ઉમેર્યું હતું કે, અતીતને અજવાળવા જેની આંખમાં ઉગે છે આવતીકાલ, તે સાચો શિક્ષક કહેવાય.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ માછીએ કર્યું હતું અને અંતમાં નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સચિન પટેલ આભારદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here