લોકડાઉનને લઈને મજુરોના અકારણ પલાયનના અનુસંધાને થયેલી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપ્યું માર્ગદર્શન

ગોધરા,તા-૦૨-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

માધ્યમોને વધારે ચોકસાઈ રાખી સાચી અને આધારભૂત માહિતી આપવાનો જ આગ્રહ રાખી જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી

સમગ્ર દેશ જ્યારે હાલ COVID-19ની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવાં માધ્યમોની જવાબદારી અત્યંત મહત્ત્વની બની જાય છે. આ અંગે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત આ કપરા સમયમાં વિવિધ માધ્યમો તેમની ફરજ સંવેદનશીલતાથી અને વિવેકાનુસાર નિભાવે એ અત્યંત જરૂરી છે.
લોકડાઉનની પરિસ્થિતિ બાદ સંખ્યાબંધ શ્રમિકોના પલાયન અને આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે, તેવા ન્યૂઝના લીધે વ્યાપેલી દહેશતના પગલે ઊભા થયેલા ભયને પ્રસરાવતા કેટલાક સમાચારો અંગે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી એક અરજી સંદર્ભે અદાલતે માધ્યમો માટેની એક એડવાઇઝરી જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, માધ્યમોએ તેમની જવાબદારી સમજીને સાચા અને પ્રમાણિત સમાચારો જ પ્રસારિત કરવાનો આગ્રહ રાખવો જોઈએ. સચોટ માહિતી માટે મીડિયા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો-PIBની વેબસાઇટ અથવા સત્તાવાર ટ્વિટર હેન્ડલનો જ ઉપયોગ કરે એ ઇચ્છનીય છે.

ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા ફૅક ન્યૂઝ તેમજ ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી વધુ ઝડપથી પ્રસરે છે, ત્યારે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે, હાલની ગંભીર પરિસ્થિતિમાં ડિઝાસ્ટરને લગતી ખોટી અફવાઓ ફેલાવવી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-54 હેઠળ ગુનો બને છે. જેના માટે એક વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે. જો કોઈ જાહેર સેવક આ પ્રકારની અફવા ફેલાવવાનું કામ કરે, તો આઇપીસીની ધારા-188 હેઠળ તેમની વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લઈ શકાશે.

માધ્યમોને આગ્રહભરી વિનંતી છે કે, પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક કે વેબસાઇટ પર આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ, નાગરિક પુરવઠા કે અન્ય કોઈ પણ સરકારી વિભાગને લગતી મહત્ત્વની બાબતો અંગે કશું જ ઉતાવળે લખતા પૂર્વે સંબંધિત વિભાગના સત્તાવાર અધિકારીનો સંપર્ક કરીને અથવા માહિતી વિભાગ પાસેથી સત્તાવાર માહિતી મેળવ્યા બાદ જ કોઈ પણ સમાચાર પ્રકાશિત કે પ્રસારિત કરવાનો આગ્રહ રાખે. આ રીતે આપણા સૌના સહિયારા પ્રયત્નોથી ન માત્ર સાચી અને પ્રમાણભૂત માહિતીનો પ્રચાર-પ્રસાર થશે, પરંતુ COVID-19 સામેની આપણી આ લડત વધુ પ્રભાવી બની તેને નાથવામાં સહાયક બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here