રોજગાર દિવસ નિમિત્તે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે યુવાનોને રોજગાર નિમણૂંકપત્રો એનાયત કરાયા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રાજ્ય સરકારે શિક્ષિત યુવાનોને નોકરીની પૂરતી તકો ઉપલબ્ધ કરાવી છે, દેશમાં સૌથી નીચો બેરોજગારીનો દર ગુજરાતનો – મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર

જિલ્લાના 1300થી વધુ રોજગાર ઈચ્છુકોને સરકારી અને ખાનગીક્ષેત્રે રોજગારીનો લાભ

સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કટીબદ્ધ રાજ્ય સરકારના કાર્યકાળનાં પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે રોજગાર દિવસ અંતર્ગત સરદારનગર, ખંડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના વરદહસ્તે રોજગારવાંચ્છુઓને રોજગાર નિમણૂંકપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટેજ પરથી પ્રતીકાત્મક સ્વરૂપે 11 અને જિલ્લામાં કુલ 1300થી વધુ રોજગાર નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કૃષિરાજ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. આજે રોજગાર દિવસ નિમિત્તે રાજ્યમાં 62 હજાર જેટલા યુવાઓને રોજગાર નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવી રહ્યા છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે દેશમાં બેરોજગારીનો સૌથી ઓછો દર ગુજરાતમાં છે. દેશના પ્રતિ 1000 વ્યક્તિએ 50 સામે ગુજરાતનો દર 9 છે. આઈ.ટી.આઈ.થી લઈ ઉચ્ચ શિક્ષણ મેળવેલા તમામ યુવાનોને રોજગારી મળી રહે તેવો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે. સરકારી નોકરીઓ માટેની વિશાળ તકો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે સ્થળ પર જ ઈન્ટરવ્યુ અને નિમણૂંક પત્રો આપવા વ્યાપક પ્રમાણમાં રોજગાર મેળાઓ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરી છે.
રોજગારી સર્જન માટે રાજ્ય સરકાર દ્વારા થયેલ કામગીરી અને સિદ્ધિ અંગે વિગતવાર માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે વિકાસ હાંસલ કર્યો છે તેનો સીધો લાભ રાજ્યના યુવાનોને મળી રહ્યો છે. ખાનગી ઉદ્યોગોમાં લાખો યુવાનો માટે રોજગારીની તકો ઉભી થવા પામી છે. ‘હર હાથ કો કામ’ના સુત્રને વરેલી રાજ્ય સરકાર દ્વારા શિક્ષિત બેરોજગાર યુવાન પગભર બને તે માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ફેક્ટરીમાં કામ કરતાં યુવાનોને સ્ટાઈપેન્ડની ચુકવણી કરવામાં આવે છે. સાથે જ નિયત સમયમર્યાદા બાદ તે જ ફેક્ટરીમાં સ્કિલ્ડ વર્કર તરીકે રોજગારી આપવામાં આવે છે.
યુવાધનને ઉપલબ્ધ રોજગારીની તકોના પાયામાં રાજ્ય સરકાર દ્વારા યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ઉપરાંત શિક્ષણ સાથે કૌશલ્યવર્ધન માટે એકલવ્ય શાળાઓ કાર્યરત કરી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું. છેલ્લા 25 વર્ષમાં રોજગારક્ષેત્રે સરકાર દ્વારા ઉભી કરાયેલી તકો વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણક્ષેત્રે ઉત્તમ સુવિધાઓ દ્વારા પોતાની ક્ષમતા અનુસાર વિકાસ સાધવા માટેનું વાતાવરણ અને ત્યારબાદ તેમના શિક્ષણ અને કૌશલ્ય અનુસારની રોજગારી મળી રહે તે પણ સરકાર સુનિશ્ચિત કરે છે. છેલ્લા 25 વર્ષોમાં ભરતીની પ્રક્રિયાઓ અગાઉ ક્યારેય નહોતી તેટલી પારદર્શક અને ઝડપી બની છે અને સમગ્ર પ્રક્રિયામાં લાગવગ કે પૈસાને કોઈ સ્થાન રહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 175 ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા યોજી કુલ 31,577 ઉમેદવારોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે. લશ્કરી ભરતી મેળામાં ઉમેદવાર ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે તે માટે વિનામૂલ્યે 05 જેટલી 30 દિવસીય તાલીમ પૂરી પાડવામાં આવી છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને રોજગારી અર્થે માર્ગદર્શન આપવા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 60 સેમિનાર અને ઓનલાઈન વેબિનાર યોજવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના 1300 થી વધુ યુવાનોને રોજગારી આપવાના પ્રતીકરૂપે 11 જેટલા રોજગારવાંચ્છુઓને રોજગાર નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લાના યુવાધનને રોજગારી આપનારા જીએસઆરટીસી, એમજી મોટર્સ, આરબી કાર્સ, સીએટ ટાયર્સ-હાલોલ, સફારી ઈન્ડસ્ટ્રીઝ-હાલોલ સહિતના નોકરીદાતાઓનું પણ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ અગાઉ કાર્યક્રમના પ્રારંભે અગ્રણી શ્રી રાજેશ પટેલ અને ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકી, ધારાસભ્ય કાલોલ સુશ્રી સુમનબેન ચૌહાણ, ધારાસભ્ય મોરવા હડફ સુશ્રી નિમિષાબેન સુથાર, સંગઠનના અગ્રણીઓ શ્રી રાજેશ પટેલ, શ્રી અશ્વિનભાઈ પટેલ સહિતના આગેવાનો, જિલ્લા ક્લેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, રોજગાર અધિકારીશ્રી એ.એલ.ચૌહાણ, ખેતીવાડી અધિકારીશ્રી જે.ડી.ચારેલ, નાયબ ખેતી નિયામક શ્રી દિપક રબારી સહિતના અધિકારીગણ તેમજ રોજગાર મેળવનારા લાભાર્થીઓ, નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here