રાજકોટથી ઉત્તરપ્રદેશના બલીયા સુધીની પ્રથમ ટ્રેન પરપ્રાંતિય શ્રમિકોને લઈ રવાના થઇ…

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવિયા

ઉત્તરપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે સંકલન સાધીને શ્રમિકોની પ્રથમ ટ્રેન રવાના કરાઈ” :-  કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન

રાજકોટ છોડીને જવાનું પણ ખુશીએ વાતની છે કે, સાત વર્ષ પછી વતનમાં પરિવાર સાથે ભેટો થશે. માં-બાપ, પત્નિ, એક વર્ષનો મારો દિકરો જેને છોડીને હું રોજગારી માટે રાજકોટ આવ્યો તો. સરકારનો ખુબ આભાર કે અમને વતનમાં જાવાની વ્યવસ્થા કરી દીધી” આ શબ્દો છે રાજકોટમાં છેલ્લા સાત વર્ષથી બાંધકામ ક્ષેત્રે મજુરી કરીને રોજી રળતા ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લાના અકીલ ચૌહાણનાં…
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેના ભાગરૂપે શહેરમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને આજ રોજ જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા રાજકોટ રેલ્વે જંકશન ખાતેથી વહેલી સવારે ૦૬ વાગ્યે અંદાજિત ૧૧૮૨ જેટલા પરપ્રાંતિય મજુરોને વતનમાં પરત ફરવા માટે ૨૪ કોચની ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેને રવાના કરતી વેળાએ જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કલેક્ટર સુશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે સંકલન સાધીને રાજકોટથી પ્રથમ ટ્રેન ઉત્તરપ્રદેશના બલીયા જિલ્લા ખાતે રવાના કરવામાં આવી છે. જેમાં અંદાજિત ૧૨૦૦ જેટલા રાજકોટ શહેરના મજુરોની વિવિધ વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે તબીબી ચકાસણી કરીને રવાના કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં તે જ પ્રમાણે રજીસ્ટ્રેશન કરીને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના કપરા સમયમાં જરૂરિયાતમંદોને મદદ રૂપ થવા માટે ૧૨૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકો લોકડાઉનમાં પોતાના વતન પરત જઇ શક્યા ન હતા. તેઓને વતન ઉત્તરપ્રદેશ પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની ટિકિટનો તમામ ખર્ચ કુલ રૂ. ૮.૭૦ લાખની ચુકવણી સામાજિક સંસ્થા કાનુડામિત્ર મંડળ દ્રારા કરવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને ૫૪ જેટલા શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. રાજકોટથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ અને ત્રિપલ લેયર માસ્ક તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ, જેમ્સ બોલ, વેફરવાળા ફુડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર શ્રમિકો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

ભવિષ્યમાં જ્યારે પણ આ પ્રકારની સેવાની જરૂર જણાશે ત્યારે ટિકીટ ખર્ચ અને ફૂડ પેકેટની વ્યવસ્થા પુરી પાડવા કાનુડામિત્ર મંડળ કટીબધ્ધ છે, તેમ પ્રમુખશ્રી કેતનભાઈ પટેલે જણાવ્યું હતું.
રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને બે વખત સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે. અંદાજિત ૩૦ જેટલા ટિકીટ એક્ઝામિનર તથા વરીષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા કતારબંધ ઉભા રહીને શ્રમિકોને હાથ હલાવીને વિદાય આપી હતી.
આ તકે અધિક નિવાસી કલેક્ટરશ્ પરીમલ પંડ્યા, નાયબ પોલીસ કમિશ્નરશ મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહેલ,  સિધ્ધાર્થ ગઢવી, ડી.આર.એમ – રાજકોટ પરમેશ્ર્વર ફુંકવાલ, સિની. ડીવીઝનલ કોમ.મેનેજરશ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ, તેમજ રેલ્વે સેવાના જરૂરી  અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here