બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે નોવેલ કોરોના વાયરસને લઈને પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રોનિકસ મીડિયામાં ફરજ બજાવતા પત્રકારોને રૂપિયા એક કરોડનું વીમા કવચ પુરૂં પાડવા બાબત મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

વિશ્વ-જગતના ઈતિહાસમાં કાળા અક્ષરે પોતાની છાપ ચિતરનાર કોરોના વાયરસની સામે આંજે સમગ્ર દુનિયા સહિત ભારત સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની સાથો-સાથ પોલીસ પ્રશાસન તેમજ આરોગ્યની ટીમો ઘર પરિવારને ભૂલીને જંગે ચઢી છે એવા સમયમાં માનવજીવોનાં આ સૌ રક્ષણ કરતાઓનાં સથવારે પત્રકારત્વ સાથે જોડાયેલા તમામ મીડિયા કર્મીઓ પણ ડગથી ડગ માંડીને ચાલી રહ્યા છે… તેમજ પ્રશાસન અને જનતાની વચ્ચે સેતુની ભૂમિકા ભજવી લોક જાગૃતિના કાર્યો કરી રહ્યા છે, એવામાં પત્રકારત્વનાં પ્રમાણિક કાર્યને માન આપી લાઠી બાબરાનાં ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર તેઓની પડખે આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી કોરોના વાયરસ ડિસીઝ (કોવિડ-૧૯) અંગે લોકજાગૃતિની સમાચાર-માહિતી પુરી પાડનાર પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રોનિકસ મીડિયામાં ફરજ બજાવતાં પત્રકારો તથા પ્રેસ ફોટોગ્રાફર્સ અને કેમેરામેનોને રૂપિયા એક કરોડનું વીમા કવચ પુરૂં પાડવામાં આવે તેવી રજૂઆત કરી છે.

વીરજીભાઈ ઠુંમરે પત્ર લખી મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે,સમગ્ર વિશ્વની મોટાભાગની વસ્તીને બાનમાં લેનાર નોવેલ કોરોના વાયરસ ડિસીઝ (કોવિડ-૧૯) ની મહામારીને પગલે ભારત સરકારે સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે હેતુંથી સમસ્ત દેશમાં લોકડાઉનનું એલાન કરેલ છે. તેમ છતાં આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના કુટુંબની પરવા કર્યા વગર, પોતાના જીવને જોખમમાં મુકી પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રોનિકસ મીડિયામાં ફરજ બજાવતાં પત્રકારો તથા પ્રેસ ફોટોગ્રાફર્સ અને કેમેરામેનો કોરોના વાયરસને લગતા સમાચાર-માહિતીનું કવરેજ કરીને સમાચાર માધ્યમો દ્વારા લોકોમાં જાગૃતિ કેળવવાની પવિત્ર ફરજ બજાવી રહ્યા છે ત્યારે રાજય સરકારે તેઓની ચિંતા કરવી જ જોઈએ તેવું હું દ્રઢપણે માનું છું. જેથી કોરોના વાયરસ ડિસીઝ (કોવિડ-૧૯) અંગે લોકજાગૃતિની સમાચાર-માહિતી પુરી પાડનાર પ્રિન્ટ મીડિયા અને ઇલેકટ્રોનિકસ મીડિયામાં ફરજ બજાવતાં પત્રકારો તથા પ્રેસ ફોટોગ્રાફર્સ અને કેમેરામેનોને રૂપિયા એક કરોડનું વીમા કવચ પુરૂં પાડવા રાજય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી આ પત્રથી મારી રજુઆત સહ માંગણી છે તો આ અંગે આપશ્રી યોગ્ય નિર્ણય લેશો તેવી રજુઆત કરી રહ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here