પંચમહાલ : 18 એપ્રિલનાં રોજ GUJCET-2022ની પરીક્ષા યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લાનાં પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં કલમ-144 હેઠળ નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ

આગામી 18 એપ્રિલ, 2022નાં રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારનાં 10.00 થી બપોરનાં 16.00 કલાક દરમિયાન GUJCET – 2022 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લામાં આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.ડી. ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોથી ચતુરદીશમાં 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારોમાં નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ જિલ્લાના પરીક્ષાકેન્દ્રોએ તા. 18મી એપ્રિલ, 2022નાં રોજ સવારના 09.00 કલાકથી 16.00 કલાક સુધીનાં સમયગાળા માટે નીચે દર્શાવેલ કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામા દ્વારા પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવા-કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી વસ્તુ અથવા મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કરવા, કરાવવા ઉપર, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા કે તેવી વસ્તુઓ સાથે પરીક્ષાસ્થળમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષા કેન્દ્રથી 3 કિમીનાં વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપિયર, ફેક્સ મશીન સંચાલકોએ કોપિયર મશીનોનો ઉપયોગ પરીક્ષાના દિવસે સવારના 08.00 કલાકથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સદંતર બંધ રાખવાના થશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here