પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીએ આઈએમએ, હોમિયોપેથિક-આયુષ ડોક્ટર્સ એસોસિયેશનના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી….

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

વેન્ટીલેટર્સ, પેરામોનિટર્સ સહિતના ઉપકરણો જરૂર પડ્યે ફાળવવા જણાવ્યું

ડોક્ટર્સે કોરોના સમાન લક્ષણો ધરાવતા કેસો ફરજિયાત રીતે રીપોર્ટ કરવાના રહેશે

પંચમહાલ કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ સંદર્ભે આઈએમએ, હોમિયોપેથિક-આયુષ ડોક્ટર્સ એસોસિયેશનના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. નોવેલ કોરોના વાયરસ સંક્રમણના પગલે જિલ્લામાં આરોગ્યક્ષેત્રે સર્જાયેલી સ્થિતિનો અહેવાલ મેળવતા શ્રી અરોરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં છે પરંતુ સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લાના તમામ ડોક્ટર્સની સજાગતા અને સક્રિય સહયોગ અતિ આવશ્યક છે. તેમણે સંક્રમણની સ્થિતિને સુધારવા અંગે ઉપસ્થિત ડોક્ટર્સ પાસેથી મંતવ્યો મેળવ્યા હતા. આરોગ્ય સેવાઓ ખોરવાય નહીં અને જિલ્લામાં ઓપીડી સતત કાર્યરત રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ આ ડોક્ટર્સના સહયોગને અનિવાર્ય ગણાવ્યો હતો. તેમણે સારી (SARI- SEVERE ACUTE RESPIRATORY ILLNESS)ના કેસોની કોઈ ચૂક વગર ડો.ટેકો એપ્લીકેશનમાં ફરજિયાત રીતે રિપોર્ટ કરવા જણાવ્યું હતું. કોરોના સમાન લક્ષણો ધરાવતા કેસોને રિપોર્ટ ન કરાય અને પાછળથી દર્દી પોઝીટીવ મળે તો સંબંધિત ડોક્ટર સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈનો ઉલ્લેખ કરતા તેમણે આ કામગીરીને અતિ ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી. જો કે જે-તે સમયે પેશન્ટમાં કોરોનાના લક્ષણો નહીં હોય અને પાછળથી તે પોઝીટીવ મળશે તો તેવા સંજોગોમાં સંબંધિત ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમ શ્રી અરોરાએ ઉમેર્યું હતું. તેમણે હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે જિલ્લાના તબીબોએ આપેલ પ્રદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલો માટે તેઓ વેન્ટીલેટર્સ, પેરામોનિટર્સ સહિતના જે ઉપકરણો વહીવટીતંત્રને આ મહામારી પૂરતી સોંપી શકે તેમ હોય તેની યાદી બનાવી આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત, કોરોનાના સંભવિત કેસોને અમદાવાદ-વડોદરા રિફર કરતી વખતે તંત્રને માહિતગાર કરવા પણ તેમણે જણાવ્યું હતું જેથી ટ્રાન્સપોર્ટેશન સમયે અન્ય વ્યક્તિઓને સંક્રમણની શક્યતા નિવારી શકાય. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કોરોના સંક્રમણ વિશે ઉપયોગી જાણકારી આપતી આરોગ્ય સેતુ એપ વધુમાં વધુ લોકો ડાઉનલોડ કરીને ઉપયોગ કરતા થાય તે માટે ઉપસ્થિત ડોક્ટર્સને આ અંગે તેમના પેશન્ટોને માહિતગાર કરવા જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ પેશન્ટને તપાસતી વખતે કોરોના સંક્રમણ ન થાય તે માટે રાખવાની થતી સાવધાનીઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, સીડીએમઓ, સીડીએચઓ સહિતના અધિકારીઓ તેમજ એસોસિયેશનના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here