પંચમહાલ જિલ્લામાં ૬ સ્થળે કોરોના વાયરસ રસીકરણની ડ્રાય રન સફળતાપૂર્ણ સંપન્ન

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

કોરોના રસીકરણ માટે તંત્ર સજ્જ

અગમચેતીના તમામ પગલાઓની સાથે રસીકરણનો પૂર્વાભ્યાસ કરાયો

તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ દ્વારા આજે કરવામાં આવેલા ડ્રાય રનથી રસીકરણની વ્યવસ્થા વધુ સચોટ બનાવી શકાશે
જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા

કોરોના સંક્રમણ સામે સલામતી બક્ષતી રસીને મંજૂરી મળવા સાથે ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ રસીકરણ શરૂ થતા અગાઉ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાના વિવિધ છ જેટલા સ્થળોએ ડ્રાય રન યોજાયો હતો. જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે રાઠોડ સહિત ના ઉચ્ચ અધિકારીઓએ ગોધરામાં દલુની વાડી, હાલોલમાં કંજરી કુમાર પ્રાથમિક શાળા, કાલોલમાં એડબ્લ્યુસી સેટકો ખાતે, શહેરામાં એસ.જી. દવે હાઈસ્કૂલ ખાતે, મોરવા હડફમાં તાલુકા પ્રાયમરી શાળા તેમજ ઘોઘમ્બામાં ઘોઘમ્બા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ ડ્રાય રનમાં ઉપસ્થિત રહી સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય સરકાર નિર્દેશિત માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે કેમનું નિરીક્ષણ કરતા ઉપયોગી સૂચનો કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ જનસામાન્ય સુધી પહોંચાડવા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું, જેના ભાગરૂપે યોજાયેલ આ ડ્રાય રનમાં દરેક સેન્ટર પર ૨૫ લાભાર્થીઓ માટેનો ડ્રાય રન યોજાયો હતો. મોરવા હડફ તાલુકા પ્રાથમિક શાળા ખાતે ડ્રાય રનનું નિરીક્ષણ કરવા ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ વેક્સિનેશન માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ દ્વારા આજે કરવામાં આવેલા ડ્રાય રનથી આ વ્યવસ્થા વધુ સચોટ બનાવી શકાશે. ડ્રાય રનની પ્રેક્ટીસના કારણે તમામ આરોગ્યકર્મીઓ તેમની કામગીરી બાબતે વધુ ચોક્કસ બનશે જેથી વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ સમયે કોઈ અવ્યવસ્થા કે દુવિધા ઉભી થવાનો અવકાશ ન રહે. નોવેલ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીકરણની આ ઝુંબેશ અતિ મહત્વની હોવાથી સરકારશ્રી અને આરોગ્યવિભાગની માર્ગદર્શિકા અનુસાર રસીકરણ સાથે સંકળાયેલી દરેક કર્મચારી પ્રક્રિયાથી અને પોતાની ભૂમિકા અંગે સંપૂર્ણપણે અવગત થાય, ઉભી થનાર સંભવિત સમસ્યાઓ અંગે આયોજન કરી શકાય તે સંબંધે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. તેમણે માર્ગદર્શિકા અનુસાર કેન્દ્ર પર કયા પ્રકારની દવાઓ તેમજ સારવારની વ્યવસ્થા કેન્દ્ર ઉપર રાખવાની છે, રિએક્શનના સંભવિત કિસ્સામાં સારવારની વ્યવસ્થા સહિત વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયામાં લાગનાર સમય અંગે જાણકારી મેળવી આ તમામ બાબતોથી વેક્સિનેશન ઓફિસર સહિતના સબંધિત અધિકારીઓ સારી રીતે અવગત કરવા પર ભાર મુક્યો હતો. આરોગ્યકર્મીઓ રસીકરણની સ્ટાન્ડર્ડ પ્રોસિજર તથા ઑનલાઈન સોફ્ટવેરની કાર્યપદ્ધતિથી અવગત થાય તેવા હેતુ સાથે ડમી લાભાર્થી પર ડ્રાય રન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ વેઈટીંગ રૂમમાં બેસાડી રસી મુકાવવા આવેલા વ્યક્તિઓને ક્રમ મુજબ તેમની આઈડેન્ટીટી ચેક કરવામાં આવી. ત્યારબાદ વેક્સિનેટર ઑફિસર દ્વારા તેમને નોર્મલ સલાઈન ઈન્જેક્ટ કર્યા બાદ કોવિડ વેક્સિનેશન માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરમાં તેની એન્ટ્રી અને વેલિડેશન કરવામાં આવ્યું. રસી લીધા બાદ તેની કોઈ આડઅસર થાય છે કે કેમ તેના પર દેખરેખ રાખવા રસી લેનાર વ્યક્તિઓને ૩૦ મિનિટ સુધી ઑબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ૧૨૨૮ જેટલા કેન્દ્રો પરથી રસીકરણની આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ડ્રાય રનની સમગ્ર પ્રક્રિયા વિગતે જોઇએ તો ડ્રાય રનમાં પહેલેથી નોંધાયેલ વેક્સિન લેનાર ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ CO-WIN સોફ્ટવેરમાં નામાંકન થયેલ હોય છે. ઉપભોક્તાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેક્સિન મેળવવાની હોય છે. ત્યાર બાદ તેને મુલાકાત ખંડ એટલે કે વેઇટીંગ એરીયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે.પ્રાથમિક તપાસમાં ઉપભોક્તાને શરદી, ઉધરસ કે અન્ય લક્ષણ જણાઇ આવે તો તેનું વેક્સિનેસન અન્ય દિવસે ગોઠવવામાં આવે છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે. આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલ દર્દીને સ્વાસ્થ્ય લગતી કોઇપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સધન સારવાર અર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here