પંચમહાલ જિલ્લામાં “૫લ્સ પોલિયો અભિયાન”નો મોરવા હડફ ખાતેથી શુભારંભ કરાવતા આરોગ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથાર

મોરવા(હ),(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે: પલ્સ પોલિયો અભિયાન..બાળ લકવા નાબૂદી અભિયાનઃ૨૦૨૨

જિલ્લાના ૦-૫ ની વયના તમામ બાળકોને રસીકરણનો લાભ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો

જિલ્લાના ૨.૬૦ લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસી આપવા ૧૦૮૩ બુથ કાર્યરત કરાયા, ૪૨૬૪ કર્મચારી પોલિયો અભિયાનમાં જોડાયા

રાજયનું પ્રત્યેક બાળક સ્વસ્થ અને નિરોગી બની રહે એવા નિર્ધાર સાથે આજે રાજયવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ થયો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ આરોગ્ય રાજયમંત્રીશ્રી નિમિષાબેન સુથારે મોરવા હડફ તાલુકાના મોજરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોરવા હડફ ગામના બુથ ખાતેથી બાળકોને પોલિયો રસીના ૨ ટીપા પીવડાવી જિલ્લામાં પોલિયો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી નિમિષાબેને જણાવ્યું હતું કે આ અભિયાનમાં રાજ્યભરનાં શૂન્યથી પાંચ વર્ષના અંદાજે ૭૫ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે. આ રાજયવ્યાપી અભિયાન માટે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરીને સઘન આયોજન કરાયું છે જે અંતર્ગત રાજયમાં કુલ ૩૮,૩૯૫ બુથનું આયોજન કરીને ૭૪૬૫ સુપરવિઝન ટીમો દ્વારા અંદાજે ૧,૫૮,૮૬૧ જેટલા આરોગ્ય કર્મીઓ સામેલ થયા છે. રાજયના તમામ વિસ્તારો અને બાળકોને આવરી લેવા માટે ૨૯૩૪ મોબાઈલ ટીમો બનાવવામાં આવેલ છે અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે માટે ૨૪૪૯ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત પંચમહાલ જીલ્લાના કુલ ૨,૬૦,૪૯૮ બાળકોને રસી આપવા ૧૦૬૬ બુથ અને ૧૭ મોબાઈલ બુથનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં ૩૦૨૪ આરોગ્યના કર્મચારીઓ અને ૧૨૪૦ આંગણવાડી કર્મચારીઓ મળી કુલ ૪૨૬૪ કર્મચારીઓ સામેલ થયા છે. આ કામગીરી ૧૦૦ ટકા પૂરી થાય તે માટે જીલ્લામાં ૨૧૯ સુપરવાઈઝર દ્ધારા વેક્સીન સપ્લાય અને સુપરવિઝન કરવામાં આવશે. આ કાર્યક્રમ ૩ દિવસ ચાલશે, જેમાં પ્રથમ દિવશે બુથ પર કામગીરી અને બીજા અને ત્રીજા દિવસે હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના ૦-૫ ની વયના બાળકોને પોલિયો મુક્ત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૦૭ પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલ નથી. આજ રીતે સાતત્યપૂર્ણ રીતે તમામ કર્મચારી, અધિકારીશ્રી સામાજિક સંસ્થાઓ/ કાર્યકર કામગીરી કરે તો ગુજરાત પોલિયો નાબૂદી તરફની જરૂર જાળવી રાખશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત આર બી એસ કે વાહનોને મંત્રીશ્રીના હસ્તે ફ્લેગ ઓફ પણ કરાવવામાં આવ્યા હતા.
સશક્ત અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા બાળકોને પોલીયો વિરોધી રસી આપવી અતિ મહત્વની હોઈ રાજ્યના તમામ બાળકોને પોલિયો રસીકરણનો મહત્તમ લાભ અપાવવા દરેક વાલીને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે. આ પ્રસંગે મંત્રીશ્રીની સાથે તાલુકા પંચાયત મોરવા હડફ ના પ્રમુખશ્રી, એપીએમસી ચેરમેનશ્રી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here