પંચમહાલ જિલ્લામાં હાલોલ શહેરમાં વસતા કિન્નરોને વિશેષ ઓળખ દર્શાવતા ઓળખપત્ર અપાયા

હાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

ટ્રાન્સજેન્ડર પણ સૌ લોકો વચ્ચે જોડાઈ શકે, તેઓને પણ સમાન અધિકાર મળી શકે તે માટે રાજ્યસરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર એકટ પ્રોટેકશન ઓફ રાઇટ્સ – ૨૦૧૯ બહાર પાડવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત રાજ્યમાં વસતા ટ્રાન્સજેન્ડરના હકો અને અધિકારોનું રક્ષણ કરવાનો મૂળ ઉદ્દેશ્ય હતો. આ કાયદા અન્વયે ટ્રાન્સજેન્ડરને તેઓનું જાતિ અંગેનું વિશેષ ઓળખપત્ર જિલ્લા કલેકટરશ્રી દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે જેથી આ વર્ગ પણ સરકારની મહત્વની યોજનાઓનો લાભ મેળવી શકે. પંચમહાલ જિલ્લામાં આ કાયદા હેઠળ હાલોલ શહેરમાં વસતા કિન્નરો (ટ્રાન્સજેન્ડર)ને ગોધરાના પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેનાના હસ્તે તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં કિન્નર જાતિનું સર્ટિફિકેટ તથા ઓળખપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઓળખપત્ર દ્વારા મહત્વના એવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના અન્ય દસ્તાવેજો સરળતાથી મેળવી શકાશે. પંચમહાલ જિલ્લામાં હાલોલ શહેરના લીમડી ફળીયામાં રહેતા (1)દિપીકા કુંવર ચંદ્રિકા કુંવર (2) ટીના કુંવર દિપીકા કુંવર અને (3) ક્રિષ્નાકુંવર ટીનાકુંવર જિલ્લાના સૌપ્રથમ લાભાર્થી બન્યા છે, જેમને આ પ્રકારના ઓળખપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા છે. જિલ્લામાં જે પ્રમાણે અરજી મળશે તેમ આ પ્રકારના વિશેષ ઓળખપત્ર ઇસ્યુ કરવામાં આવશે. ટ્રાન્સજેડર્સ કમ્યુનિટીને મુખ્ય પ્રવાહમાં ભળવામાં આ પ્રકારની પહેલને કારણે મદદરૂપ બનશે તેવી લાગણી પ્રાંત અધિકારીશ્રીએ વ્યક્ત કરી હતી.જિલ્લામાં અત્યાર સુધી કુલ 6 ઓળખપત્રો ઈશ્યુ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here