પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ પોઝિટિવ કેસોના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે….

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

હોમ ક્વોરેન્ટાઈન થવા માટે ઘરે અલાયદા ટોયલેટ-બાથરૂમ સહિતનો રૂમ હોવો આવશ્યક

મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા સુવિધાઓ અંગે તપાસ બાદ જ હોમ ક્વોરેન્ટાઈનની મંજૂરી અપાશે

પરિવારજનો અને આસપાસના લોકોમાં સંક્રમણના કિસ્સા બહાર આવતા લેવાયેલ નિર્ણય

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાનમાં લઈને કલેકટરશ્રી અમિત અરોરાએ એક મહત્વનો નિર્ણય જાહેર કરતા જણાવ્યું હતું કે હવેથી જિલ્લાના કોવિડ-૧૯ કેસોના સંપર્કમાં આવનાર લોકોના ઘરે રાજ્ય સરકારની ક્વોરેન્ટાઈનને લગતી માર્ગદર્શિકા અનુસારની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો આ વ્યક્તિઓને સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, જેથી તેમના પરિવારજનો અને આસ-પાસના લોકોમાં સંક્રમણનો ભય ન રહે. ઘરે ક્વોરેન્ટાઈન થવા ઇચ્છતા લોકોના ઘરે મેડિકલ ઓફિસરના નેતૃત્વ હેઠળની ટીમ જે-તે વ્યકિત પરિવારના સભ્યોથી આઇસોલેટ થઈને અન્યોને ચેપ ના લાગે તે રીતે રહી શકે તે માટે ટોઈલેટ-બાથરૂમ સહિતની સુવિધાઓ ધરાવતી અલગ રૂમ જેવી સુવિધાઓ, સ્થાન વગેરે બાબતોની ચકાસણી કર્યા બાદ જ હોમ ક્વોરેન્ટાઈન માટે પરવાનગી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં સંક્રમણના કેસોની પેટર્ન જોતા હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિઓથી બાદમાં પરિવારના સભ્યો કે આસપાસના લોકોને સંક્રમણ લાગુ પડ્યું હોવાના કિસ્સા સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગીચ વિસ્તારોમાં કે સાંકડી જગ્યામાં રહેતા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવાથી તેમનું સંભવિત સંક્રમણ તેમના પરિવારજનો કે આસપાસના લોકોમાં પણ લાગુ પાડવાની શક્યતા રહેલી છે. આ પ્રકારના જે લોકો પોતાના પરિવારથી સંપૂર્ણપણે આઈસોલેટ થઈ શકવાની વ્યવસ્થા ન ધરાવતા હોય તેમને ફરજિયાત રીતે સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલીટીમાં 14 દિવસનો ક્વોરેન્ટાઈન સમયગાળો પૂર્ણ કરવાનો રહેશે. શ્રી અરોરાએ પોઝિટીવ વ્યક્તિઓનાં સંપર્કમાં આવેલી વ્યક્તિઓને પોતાના પરિવારજનો સહિતના સ્નેહીજનોને સંક્રમણના ભયથી બચવા સ્વેચ્છાએ સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલીટીમાં જવા અને સહયોગ આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત, તેમણે છેલ્લા 15 દિવસમાં કોઈપણ પોઝિટીવ પેશન્ટના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને આગળ આવવા તેમજ ક્વોરેન્ટાઈન થવા અપીલ કરી હતી. હેલ્પલાઈન 1077 પર હોમ ક્વોરેન્ટાઈન અને ક્વોરેન્ટાઈનને લગતી વિગતો મેળવી શકાય છે.

જિલ્લામાં કુલ 17 સ્થળોએ 538 ક્વોરેન્ટાઈન બેડનું આયોજન છે..

હાલમાં ઈકબાલ ગર્લ્સ સ્કૂલ, ઈએમઆરએસ, વેજલપુર, દારૂલ-ઉલુમ, ગર્વમેન્ટ એન્જિનિઅરીંગ કોલેજ, જલારામ સ્કૂલમાં ક્વોરેન્ટાઈનની સુવિધા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here