પંચમહાલ જિલ્લામાં કુલ 131 ઔદ્યોગિક એકમો/કારખાનાઓને કામગીરી શરૂ કરવા મંજૂરી અપાઈ

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મોટાભાગના એકમો શરૂ

9,593થી વધુ કર્મચારીઓએ ઉત્પાદન સહિતની કામગીરી શરૂ કરી

સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના નિયત માપદંડોના પાલન સાથે કંપનીઓમાં કામગીરીનો આરંભ

ભારત સરકારે આપેલી સૂચના અનુસાર આજથી પંચમહાલ જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો/કંપનીઓમાં અને શહેરી વિસ્તારોની અમુક કંપનીઓમાં ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે. લોક ડાઉન બાદ જિલ્લામાં ઉત્પાદન સહિતની ઔદ્યોગિક પ્રવૃતિઓને પૂરતી સાવચેતી સાથે ફરીથી વેગવંતી કરવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતા ધરાવતી સમિતીએ કુલ 131 ઔદ્યોગિક એકમો/કારખાનાઓને કામગીરી શરૂ કરવા મંજૂરી આપી છે. આ કંપનીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કેટલાક નિયત ધારાધોરણોનું ફરજિયાત રીતે પાલન કરવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બધી ઈન્ડસ્ટ્રીઝ કે જેમાં કન્સ્ટ્રક્શન, ફૂડ પ્રોસેસિંગ સહિતના ઉદ્યોગોનો સમાવેશ થાય છે તેમજ અર્બન વિસ્તારમાં જે ક્લસ્ટર કન્ટેઈનમેન્ટ વિસ્તારની બહાર છે અને આવશ્યક સેવાઓ, ખેતી, ફૂડ પ્રોસેસિંગ, પાવર સેકટર સાથે સંકળાયેલા છે તેવા એકમોને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 131 કંપનીઓમાં કુલ 9,593થી વધુ કર્મચારીઓ ફરીથી ઉત્પાદન શરૂ કરવાની પ્રવૃતિમાં જોડાઈ ગયા છે. જો કે આ કંપનીઓએ ચોક્કસ ધારાધોરણોનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. એકમના તમામ કામદારોનો વીમો હોવો ફરજિયાત છે. ઓદ્યોગિક એકમમાં પ્રવેશ, નિકાસ, લંચ તમામ કર્મચારીઓને એકસાથે નહીં પણ તબક્કાવાર કરાવવાનું રહેશે. કર્મચારીઓને કામના કલાકો આઠના બદલે બાર કરાવી શકાશે પરંતુ વધારાના કલાકો માટે તેમને સપ્રમાણ વેતન ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત, શક્ય હોય ત્યાં સુધી કામદારોના રહેવાની વ્યવસ્થા કંપનીના કેમ્પસમાં અથવા પોતાની ટાઉનશિપમાં કરવા સૂચના આપવામાં આવી છે જેથી અવર-જવર ઓછી થાય અને લોકડાઉનના અમલને ખલેલ ન પહોંચે. આ ઉપરાંત, કામ પર આવતા કામદારોનું થર્મલ ગનથી બોડી ટેમ્પરેચર નિયમિત રીતે ચેક કરવા, સેનિટાઝેશન સહિતની સુવિધાઓ રાખવા પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કંપનીઓ/એકમોએ મંજૂરી લેવા કલેક્ટર કચેરી ન આવવું પડે તે માટે ચેક લિસ્ટ, અરજી ફોર્મ/બાંયેધરીઓના નમૂના ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનને આપવામાં આવ્યા છે. તેઓ ઈ-મેઈલ કે વોટ્સએપથી આ નમૂના ભરીને અરજી મોકલી શકે છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓનો પણ ૩૩% કર્મચારીઓની હાજરી સાથે આજથી પ્રારંભ થયો છે તેમ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું. રાજ્ય સરકારની સૂચના મુજબ સરકારી કચેરીઓ સહિત જે વેપાર ઉદ્યોગને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરતી પરવાનગી આપવામાં આવી છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્કનો ઉપયોગ, સેનિટાઈઝેશન જેવા મુદ્દે વિશેષ લક્ષ કેન્દ્રિત કરવા સાથે “લોકડાઉન” ના જાહેરનામાની કડક અમલવારી કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here