પંચમહાલ જિલ્લામાં આજથી કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો, ધંધા-રોજગાર શરૂ કરી શકાશે…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ

કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે

માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે

સ્ટેન્ડ અલોન શોપ્સ માટે ઓડ-ઇવન નંબરનો નિયમ લાગુ પડશે નહીં

કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહિં

શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓને હાલ અનુમતિ નહિ

જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા ના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કરાયેલ જાહેરાત મુજબ લોક ડાઉન-૪ દરમિયાન પંચમહાલ જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા ૨૫ કન્ટેઇનમેન્ટ વિસ્તારો (ગોધરા શહેરના ૨૨ અને હાલોલના ૩) સિવાયના બાકી વિસ્તારોમાં શરતોને આધીન દુકાનો, ધંધા-રોજગાર શરૂ થઈ શકશે. કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવી છે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર-ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. આ વિસ્તારોમાં આવેલ માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે. એટલે કે ૫૦ ટકા દુકાનો એક દિવસે અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખૂલી શકશે. જે માટે દુકાનોને અપાયેલ પ્રોપર્ટી નંબર ધ્યાને લેવામાં આવશે. એકી (ઓડ) તારીખના દિવસે એકી પ્રોપટી નમ્બર ધરાવતી દુકાનો (જેમ કે ૧૯મી ના રોજ ૧,૩,૫,૭….નંબરની દુકાનો) અને બેકી (ઇવન) તારીખના દિવસે બેકી પ્રોપર્ટી નંબર ધરાવતી દુકાનો (૨૦મીએ ૨,૪,૬… એમ સિરીઝમાં) ચાલુ રાખવાની રહેશે. જ્યારે સ્ટેન્ડ અલોન શોપ્સ માટે ઓડ-ઇવન નંબરનો નિયમ લાગુ પડશે નહીં. દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાંચ કરતા વધુ ગ્રાહકો રહી શકશે નહિં. કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહિં. કન્ટેઇનમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ માત્ર ટેઈક અવે જ લઈ જઈ શકશે. વાળંદની દુકાનો – બ્યૂટી પાર્લર અને સલૂન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની શરતે શરૂ કરવા દેવાશે. આ સૂચનાઓ – ગાઈડલાન્સ ૧૯મી મે મંગળવારથી ૩૧મી મે રવિવાર સુધીના સમય માટે અમલમાં રહેશે. હાલ, શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓ, સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here